અરજદારોને ધરમ ધક્કા:ઘોઘંબામાં ઈન્ટરનેટ સુવિધા ખોટકાતા લર્નિંગ લાયસન્સની કામગીરી ખોરંભાઇ, અરજદારોમાં રોષ

હાલોલએક મહિનો પહેલા

ઘોઘંબા આઈ.ટી.આઈ ખાતે ચાલતી પંચમહાલ જિલ્લા આરટીઓ કચેરીની લાર્નિંગ લાઇસન્સ કાઢવવાની કામગીરી ત્રણ દિવસથી ઈન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે ખોટકાતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. ડિજિટલના સ્વપ્નમાં રચાતી સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેક્ટિવિટીને સ્થિર કરવામા નિષ્ફળ ગઈ છે, જેની મુશ્કેલીઓ ગ્રામીણ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી આદિવાસી એવા ઘોઘંબા વિસ્તારના અરજદારો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા પંચમહાલ જિલ્લા આરટીઓ કચેરીમાં અરજી કરે છે. ત્યારે જિલ્લા આરટીઓ કચેરી દ્વારા અરજદારોને જિલ્લા સુધી લાંબા ન થવું પડે તે માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની કામગીરી ઘોઘંબા આઈટીઆઈ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી બાદ મળેલી એપોઇન્ટમેન્ટના આધારે અરજદારો આઈટીઆઈ કોલેજ ખાતે પહોંચે છે. ત્યારે ત્યાં કોઈના કોઈ ટેક્નિકલ ખામી હોવાનું જણાવતા અરજદારોને ધક્કા ખાવા પડતા હોય છે.

પાછલા ત્રણ દિવસથી ઈન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે લર્નિંગ લાયસન્સની એપોઇન્ટમેન્ટ લઈ ધક્કા ખાતા રોષે ભરાયેલા અરજદારો અને આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપાલ વચ્ચે તુતુ મેં મેં થતા મામલો ગરમાંયો હતો. અરજદારોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય દિવસથી વારંવાર ધક્કા ખાવા છતાં લાયસન્સની કામગીરી નહીં થતા અમો પ્રિન્સિપાલ પાસે આ બાબતે રજૂઆત માટે જતા પ્રિન્સિપાલે અમોને ઉદ્ધત જવાબ આપી અહીંથી નીકળી જવા જણાવ્યું હતું. તો બીજી તરફ આઈ.ટી.આઈના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, જીસ્વાનની ઇન્ટરનેટ સેવા બંધ હોવાથી લાયસન્સની કામગીરી નહીં થઈ હોવાથી અરજદારો ગુસ્સે થયા હતા અને અરજદારોને પડી રહેલી તકલીફના નિરાકરણ માટે અમોએ લાગતા વળગતા વિભાગને જાણ કરી છે. અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે એટલે વહેલી તકે ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએનું જણાવ્યું હતું.

ઘોઘંબા આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર છે ગામડાઓમાંથી અહીં આવતો અરજદાર સાંજે ઘરે પરત ફરે એ સ્થિતિમાં એક લર્નિંગ લાયસન્સની કામગીરી માટે દિવસો સુધી ધક્કા ખાતા અરજદારો રોષે ભરાયા હતા. આઈટીઆઈ કોલેજ ખાતે હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગુજરાતના ઘણા ખરા ગામડાઓમાં હજી ઈન્ટરનેટને શોધવા જવું પડે છે. ઘોઘંબા તો પંચમહાલ જિલ્લાનું તાલુકા મથક છે જો ત્યાં આ સ્થિતિ છે તો ગામડાઓની કનેક્ટિવિટીની તો વાત જ શું કરવી.

અન્ય સમાચારો પણ છે...