ટ્રાફિક સમસ્યા ઉકેલવા પાલિકાની ઉદાસીનતા:હાલોલમાં રોડની કામગીરીથી ટ્રાફિક સમસ્યામાં વધારો; ભારદાર વાહનો બંધ થાય તો સમસ્યા હળવી થાય

હાલોલએક મહિનો પહેલા

હાલોલ શહેરમાં વડોદરા અને ગોધરા તરફના મુખ્ય માર્ગને નવીનીકરણ કરવાની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે આખો દિવસ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉભી થતા એસટી બસો સહિત અનેક નાના મોટા વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. શહેરમાં કરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે ત્રણ વર્ષથી એસટી બસ સ્ટેન્ડથી પાવાગઢ, ગોધરા અને વડોદરા ત્રણેય તરફ આવેલા માર્ગોની એક તરફનો રોડ ખોદકામ કરી દેવામાં આવ્યો હતો. એ માર્ગ નવો બનાવવાની શરૂઆત કરતા આખો રોડ બે ફૂટ જેટલો ખોદી નાખવામાં આવતા અત્યારે ગોધરા વડોદરાની અવર જવર એકજ રોડ ઉપર થઈ જતા શહેરીજનો એ દિવસ ભર ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

યોજનાની શરૂઆત 2019ના અંતમાં કરવામાં આવી હતી
હાલોલ શહેરના સત્તર હજાર જેટલા મકાનોને ભૂગર્ભ ગટર યોજનાની લાઈનથી જોડી દેવા શહેરની સૌથી મોટી યોજનાની શરૂઆત 2019ના અંતમાં કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ કરવામાં આવ્યાને ત્રણ વર્ષ પુરા થઈ ગયા છતાં વચ્ચે કોરોના મહામારી આવી જતા સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થઈ શકી નથી. કદાચ થાય તેવી સંભાવનાઓ પણ સેવાઇ રહી નથી, અને થશે તો આ યોજના સફળ થશે કે કેમ? તે પણ પ્રશ્ન આ કરવામાં આવેલી કામગીરી અને તેમાં ઉભી થયેલી અડચણો અને વારંવાર બદલાતા નકશાઓ જોતા ઉભો થઇ રહ્યો છે.

દિવસમાં વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય
હાલ આ યોજનામાં કરવામાં આવેલી કામગીરી દરમિયાન શહેરના એસટી સ્ટેન્ડથી વડોદરા તરફ જ્યોતિ સર્કલ અને ગોધરા તરફ રીંકી ચોકડી સુધીના મુખ્ય માર્ગમાં જે ખોદકામ કરવામાં આવ્યું હતું. તેને પુનઃ એક વાર બે ફૂટ જેટલું ખોદી નાખી ઉપર નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને કારણે ગોધરા અને વડોદરા તરફના રોડ ઉપરનો એક ભાગ ખોદી નાખવામાં આવતા બંને તરફના રોડ ઉપર વાહનોની અવર જવર એકજ તરફના રોડ ઉપર થઈ જતા વાહનો સામસામા આવી જતા દિવસમાં વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

પાલિકા ધારે તો શક્ય બને
શહેરમાં થતા ટ્રાફિકમાં અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. ઇમરજન્સી સેવાઓ, ફાયર ફાઇટર, કે સબવાહીનીની સેવાઓ જેવી તમામ સેવાઓ આવા ટ્રાફિક સામે લાચાર થઈ જતી જોવા મળે છે. એક તરફના યાતાયાતને પગલે એસટી બસ, ટ્રક, લક્ઝરી જેવા ભારદાર વાહન મોટી સમસ્યા બની રહ્યાં છે. ત્યારે જ્યાં સુધી રોડની કામગીરી ચાલે ત્યાં સુધી આવા ભારદાર વાહનો શહેરમાંથી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યાં છે. હાલોલ નગર પાલિકા ધારે તો આ શક્ય બને તેમ છે.

ભારદાર વાહનો શહેરમાં બંધ કરાવવાની માગ
એસટી બસ સેવા બાયપાસ તરફ ડાયવર્ટ થઈ શકે તેમ છે. પરંતુ પાલિકા આદેશ કરે તો, એસટી બસો બાયપાસ તરફથી લઈ જવામાં આવે તો દરેક બસને આવવાના 4 કિલો મીટર અને જવાના 4 કિલોમીટરનો ફેરો વધી જાય છે. એટલે બે લીટર ડીઝલની ખપત દરેક રૂટ ઉપર વધી જાય છે. પાલિકાના આદેશ મુજબ એસટી વિભાગ હુકમ કરે તો એસટી બસો બાયપાસ થઈ શકે એમ છે. સરકારી આદેશ વગર બસને બાય પાસ ઉપરથી ડ્રાઇવરે સ્વ જોખમે લાવવી પડે અને ડીઝલની ખપત પણ પોતે ભોગવવી પડે તેમ હોવાથી ટ્રાફિક થવા છતાં ચાલકો એસટી બસ શહેરમાંથી જ લાવી રહ્યાં છે. શહેરીજનો આખો દિવસ આ સમસ્યા ભોગવીને ત્રસ્ત બન્યા છે. ત્યારે હાલોલ નગર પાલિકાએ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ભારદાર વાહનો શહેરમાં બંધ કરાવવા વિચારવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...