હાલોલ તાલુકાના તરખંડા ગામે એક કાચા મકાનમાં આગ લાગતા મકાનનો તમામ ઘરવખરી સહિતનો સામાન ભીષણ આગમાં બળીને ખાખ થઈ જતા મકાન માલિકને અંદાજીત 6 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મકાનમાં આગ લાગતા તરખંડા ગામના લીટી ફળિયા ખાતે અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.
હાલોલ તાલુકાના તરખંડા ગામે રાત્રિના અંદાજે સવા આઠ વાગ્યાની આસપાસ લીટી ફળિયામાં રહેતા મશરૂ વજાભાઈ રાઠવાના કાચા પતરાવાળા મકાનમાં કોઈ કારણોસર એકાએક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. આગ લાગવાના આ બનાવમાં આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પરિવારજનો ઘરની બહાર દોડી જતા બચી ગયા હતા. જ્યારે મકાનમાં લાગેલી આગની વિકરાળ જ્વાળાઓમાં પતરાવાળુ કાચું મકાન સહિત મકાનની ઘરવખરી તેમજ મકાનનો તમામ સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. આગની વિકરાળ જ્વાળાઓ ઉઠતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉઠવા પામતા સમગ્ર તરખંડા સહિત લીટી ફળિયા ખાતે અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
ગ્રામજનોએ તાત્કાલિક હાથવગા સાધનોથી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ વિકરાળ આગ કાબુમાં ના આવતા બનાવ અંગે તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલોલ ફાયર ફાઇટરની ટીમેં દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે તે દરમ્યાન ઘરમાં રાખેલ તમામ ઘરવખરી સહિતનું રાચ રચીલું તેમજ ઇલેક્ટ્રોનિકના ઉપકરણો સહિતનો તમામ સામાન અને કાચું પતરાવાળુ મકાન સંપૂર્ણપણે આગમાં બળીને ભસ્મીભૂત થઈ જતા મકાન માલિકને ભારે નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.
બનાવને પગલે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા સહિત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પી.ટી.પરમાર તલાટી કમ મંત્રી જયંતીભાઈ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી આગને લઈને બનાવ અંગેનો રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું ન હતું. જ્યારે ભીષણ આગમાં મકાન સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ જતાં પરિવારજનો ઘર વિહોણા બન્યા હતા. આગની આઘાટનામાં કુલ અંદાજીત 8.81 લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું સ્થળ પંચકયાસ બાદ સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.