ખેતીમાં આફતથી ખેડૂતો ત્રસ્ત:કાલોલ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભૂંડો અને રોઝનો ત્રાસ, ખેડૂત નીલગીરીના વાવેતર તરફ વળ્યાં

હાલોલ16 દિવસ પહેલા
  • ચારે તરફ સાડીઓ વડે વાડ ઉભી કરી પાકનું રક્ષણ

કાલોલ તાલુકાના કેટલાક ગામડાઓના ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે. ભૂંડ અને રોઝના ઝુંડ દિવસ ભરની મહેનત ઉપર રાત્રે આવી પાણી ફેરવી જતા જગતનો તાત હેરાન પરેશાન થઈ ગયો છે. ખેતરોમાં વાવેતર કર્યા પછી ખેતરની ચારે કોર કપડાંની વાડ કરી પાકનું રક્ષણ કરી રહ્યાં છે. મોંઘુ કપડું લાવી મહામુલા પાકને સુરક્ષિત કરવાના પ્રયાસ છતાં ઘણા સમયે ભૂંડો અને રોઝડાઓ ખેતરોમાં ઘુસી નુકશાન કરી નાખતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.

ગામડાઓના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી રહ્યાં છે
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવની આજુબાજુના તરવડા, રાબોડ, અલવા, પાંચતાડ, ઝીલીયા, દેવ છોટિયા, દેવપુરા જેવા ગામડાઓના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી રહ્યાં છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ખેતી કરવી એટલે ભારે મુશ્કેલીનું કામ બની રહ્યું છે. જંગલી ભૂંડ અને રોઝના ત્રાસને કારણે ખેડૂતો પોતાના મહામુલા પાકનું રક્ષણ નથી કરી શકતા, ખાસ કરીને રાત્રે ભૂંડો અને રોજનું ટોળું ખેતરોના ઉભા પાકને ધરમોડી નાખે છે.

ચારે તરફ સાડીઓ વડે વાડ ઉભી કરવી પડે છે
અત્યારે ચોમાસુ પાક માટે ખેડૂતો પોતાના ખેતરોમાં મોંઘા બિયારણ લાવી ડાંગર, કપાસ ગલગોટા જેવા પાકો માટે વાવેતર કરી રહ્યાં છે, પરંતુ વાવેતર કરતા પહેલા ખેતરોને ચારે બાજુથી સુરક્ષિત કરવાનું કામ કરવું પડી રહ્યું છે. તારની વાળ કે ચોતરફ સાડીઓના રોલ કે કાપડના લાંબા તાકા લાવી લાકડા ઉભા કરી વાડ બનાવી બિયારણની વાવણી કરી રહ્યાં છે. મોંઘા બિયારણ લાવતા પહેલા ખેતર સાફસફાઈ કરવાનો અને આ વાડ કરવાનો ખર્ચ ખેડૂતોએ દેવું કરીને કરવો પડી રહ્યો છે.

ગામડાઓનું માથાદીઠ ખેત ઉત્પાદન ઘટ્યું
પરંપરાગત ખેતી પરવડતી નથી અને ખેતી મોંઘી બની રહી છે, ખર્ચ સામે ઉત્પાદન મળે છે, પરંતુ જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે પોષણક્ષમ ભાવો મળતા નહીં હોય ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને નીલગીરી જેવા વૃક્ષો વાવી આવક મેળવવા તરફ વળી રહ્યાં છે. આ વિસ્તારના અનેક હેક્ટરો જમીનમાં ખેતી બંધ કરી ખેડૂતોએ નીલગીરીના ટિસ્યુની વાવણી કરી દેતા તાલુકાના આ ગામડાઓનું માથાદીઠ ખેત ઉત્પાદન ઘટ્યું છે.

અન્ય સમાચારો પણ છે...