વરસાદના વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તાને વિદાય:હાલોલમાં એક પછી એક વાજતે ગાજતે નીકળી વિસર્જન યાત્રાઓ; વિશાળ મૂર્તિઓને ડીજેના તાલે લઈ જવાઇ વડા તળાવ

હાલોલ23 દિવસ પહેલા

હાલોલ શહેરમાં વરસાદના વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી હતી. શહેરના વિવિધ ગૃપો દ્વારા સ્થાપિત આકર્ષક શ્રીજીની પ્રતિમાઓની ઢોલ નગારા અને ડીજે સાથે એક પછી એક વિસર્જન યાત્રા નીકળતા આખું હાલોલ શહેર ભક્તિમય બન્યું હતું. તો નાચતે ગાજતે નીકળેલી વિસર્જન યાત્રાઓના અંતે ભક્તોએ અશ્રુભીની આંખે બાપ્પાને અંતિમ વિદાય આપી વિસર્જિત કર્યા હતા.

હાલોલ શહેરના વડોદરા અને કંજરી રોડ તરફના વિસ્તારોના ગણેશ મંડળોના શ્રીજીની વિસર્જન યાત્રા સાંજે ડીજે સાથે નીકળી હતી. એક બાદ એક ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો નાચતા કૂદતાં ઉત્સાહિત થઈ જોડાયા હતા. પાલિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને પગલે તમામ ગણેશજીને એસટી સ્ટેન્ડ પાસેની પોલીસ ચોકીથી પાવાગઢ રોડ ઉપર છેક હાલોલ બાયપાસ સુધી વજાતે ગાજતે લઈ જવામાં આવ્યા હતા. સાંજે નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રામાં પોલીસ સ્ટાફ સતત ખાડે પગે જોવા મળ્યો હતો.

વિસર્જન યાત્રાઓ પાવાગઢ રોડ તરફ પહોંચી ત્યાંજ ગાજ વીજ સાથે વરસાદે ધનાધન બોલાવતા બાપ્પાને વિદાય આપવા નીકળેલી વિસર્જન યાત્રાઓનો કાફલો વરસાદ વચ્ચે જ આગળ વધતો રહ્યો હતો. સવારથી જ નીકળેલી નાની મોટી વિસર્જન યાત્રાઓમાં નીકળેલા ભક્તો માટે પાવાગઢ રોડ ઉપર મુસ્લિમ બિરાદરોએ ઠંડા પીણાંની વ્યવસ્થા કરી હતી. તો આગળ ગાયત્રી મંદિર પાસે હાલોલના ગોપીપુરાના બહુ ચર્ચિત નેતા રામચંદ્ર બારીઆ અને ભાજપના નેતાઓ સુભાષ પરમાર, પ્રવિણસિંહ પરમાર, ભરત બારીઆ, સચિન શાહ, તપન ઠક્કર સહિતના આગેવાનો અને કાર્યકરોએ વિસર્જન યાત્રાઓમાં આવેલ ભક્તો માટે ફળ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...