હાલોલના પાવાગઢ રોડ ઉપર એક્ટિવાનો બસ સાથે અકસ્માત થતા સાત વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. માસૂમ તેની માતા સાથે મંદિરમાં શૃંગાર કરી પરત ફરી રહ્યો હતો. હાલોલની પૂજા સોસાયટીમાં રહેતા મહાદેવ મોટર ટ્રેઇનિંગ સ્કૂલ ચલાવતા અને શારણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી કલ્પેશ ગૌસ્વામીનો સાત વર્ષનો પુત્ર હર્ષલ ગોસ્વામી માતા સુનિતાબેન સાથે શરણેશ્વર મહાદેવના મંદિરે ગયો હતો.
સાત વર્ષનો માસૂમ મહાદેવનો શૃંગાર પતાવી ઘરે આવી રહ્યો હતો
સાંજની આરતી માટે મંદિરમાં શૃંગાર કરવા માટે ગયેલો હર્ષલ અને માતા એક્ટિવ પર ઘરે પરત ફરી રહ્યા હતા. પાવાગઢ રોડ ઉપર આવેલ એમએસ હાઈસ્કૂલ નજીક એક્ટિવાનો એસટી બસ સાથે અકસ્માત થતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. સાત વર્ષનો માસૂમ મહાદેવનો શૃંગાર પતાવી ઘરે આવવાનો હતો અને પછી મહાદેવની આરતી માટે મંદિરે જવાનો હતો. પિતા સાથે મંદીરનો શૃંગાર કરીને હર્ષલે ફોટો પણ પડાવ્યો હતો. જેને પિતા કલ્પેશભાઈએ ફેસબૂક ઉપર પણ મુક્યો હતો.
માતાએ આક્રંદ મચાવી મુકતા અનેકની આંખો ભીની થઈ
પુત્ર હર્ષલને લઈ મહાદેવના શૃંગારમાં પતિને મદદ કરવા ગયેલા સુનિતાબેન પોતે અકસ્માત થતા ઘવાયેલા પુત્રને લઈ કૃપાલું હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યા માસૂમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘણું લોહી વહી ગયું હતું. ડોક્ટરે પાટા બાંધી પ્રાથમિક સારવાર કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ માસૂમ બચી ન શક્યો. સાત વર્ષના માસૂમનું અકસ્માતમાં મોત નિપજ્યાના સમાચાર મળતા શરણેશ્વર મંદિર ખાતે સાંજની આરતીની તૈયારીઓ કરી રહેલા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને નગરમાં જાણ થતાં અનેક પરિચિતો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સુનિતા બેને પુત્રને બચાવવા પ્રયાસ કરવા છતાં પુત્ર ન રહ્યાની જાણ થતાં તેઓએ હોસ્પિટલ ખાતે આક્રંદ મચાવી મુકતા અનેકોની આંખોના ખૂણા ભીના થયા હતા.
અકસ્માત કરી બસ લઈ ભાગી છૂટેલા એસટી ડ્રાઇવરને અરાદ રોડ પાસે પકડી લેવામાં આવ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર હર્ષલના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.