નગરજનોમાં રોષ:હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાથી પડેલા ખાડામાં 2 વાહનો ફસાયા

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સામે નગરજનોમાં રોષ

હાલોલમાં છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ પાણી પુરવઠા તંત્ર દ્વારા કરાઇ રહ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટરની સદંતર લાપરવાહી અને આડેધડ કામને પગલે સમગ્ર નગરના મુખ્ય હાર્દસમા તમામ રોડ, સોસાયટીઓ, ગલીઓ, ફળિયાઓ અને બજારોના રસ્તાઓ બદતર બની ચૂક્યા છે.

હાલમાં ચોમાસામાં સતત વરસી રહેલા વરસાદને કારણે આવા રોડ-રસ્તાઓ વધુ ખરાબ બન્યા છે. સોમવારે નગરના કંજરી રોડ પર આવેલા દાવડા વિસ્તારમાં વહેલી સવારે અમુલ દૂધનો સપ્લાય કરતો ટેમ્પો ગટર માટે ખોદેલા ખાડામાં ઉતરી પડતાં ધડાકાભેર પલ્ટી ખાઈ ગયો હતો. જેથી દૂધની થેલીઓ ભરેલ કેરેટ રોડ પર પડતાં દૂધની કેટલીક થેલીઓ ફાટી જતા રોડ પર દૂધની નદીઓ વહેતી હતી.

જેથી બે કલાક ઉપરાંતનો સમય નીકળી જતા લોકો દૂધ માટે સલવાયા હતા અને અપૂરતો દૂધનો જથ્થો મળતા લોકો વહેલી સવારે દૂધ મેળવવા માટે ફાંફા મારતા પડ્યા હતા. જ્યારે નગરના ગોધરા રોડ પર આવેલ પપ્પાજી પાર્ક ખાતે પણ ખોદેલ ખાડામાં ઇકો વાનના ટાયર ફસાતાં વાન પલ્ટી થતાં બચી ગઇ હતી. જેને બહાર કાઢવામાં કલાકોનો સમય ગયો હતો. જેને લઇને નગરજનોનો કોન્ટ્રાક્ટર અને તેને છાવરતા વહીવટી તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો. આવા આડેધડ કામ કરતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લોકોની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...