ગૌ સ્ટીકની ભારે માંગ:ઘોઘંબામાં ગૌ મૂત્ર અને છાણમાંથી વસ્તુઓ બનાવી સેવકો આત્મનિર્ભર બન્યા; વૈદિક હોળી પ્રગટાવવા ગાયનું છાણ ઉત્તમ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે નિઃસ્વાર્થ ભાવે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવાની તત્પરતા સાથે પાછલા 14 વર્ષોથી ગૌ સેવાની ધૂણી ધખાવનાર શ્રી રામ ગૌસેવા પાંજરાપોળના સંચાલકો પાંજરાપોળની ગાયોના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી સ્ટીક બનાવી આત્મનિર્ભર બન્યા છે. વૈદિક હોળી પ્રગટાવવાનું વધતું ચલણ આ ગૌ સેવા કરનારા સેવાભાવી ગૌસેવકો માટે આત્મનિર્ભર બનાવામાં સહાયરૂપ બની છે. વર્ષો પછી દાન સિવાય પાંજરાપોળની પોતાની આવક ઉભી થતા પાંજરાપોળના સંચાલકોમાં પણ ખુશી જોવા મળી હતી.

પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબાના બાકરોલ ગામે રહેતા સોમાભાઈ બારીઆ અને રમણભાઈ રાઠવા કે જેઓ પાછલા ચૌદ વર્ષથી પોતાની જમીનમાં શ્રી રામ ગૌસેવા પાંજરાપોળ ચલાવી આ વિસ્તારમાંથી વેતર પુરા થઈ ગયા હોય, બીમાર હોય, તેવી ગાયો કે જે કતલ ખાને પહોંચતી હતી, તેવા ગૌ ધનને તેઓ ગામડે ગામડે ફરી એકત્ર કરી પોતાના પાંજરાપોળમાં લાવી ગૌસેવા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

આજે આ પાંજરા પોળમાં દોઢસો જેટલી નાની મોટી ગાયો છે. બાર વર્ષની ગૌસેવામાં સોમાભાઈ એ ગાયો માટે પોતાની ઘર જમીન જાગીર ગીરવે મુકવી પડી હતી. છતાં તેઓની ગૌસેવાની લગન જોઈ આસપાસના અનેક લોકોની તેઓને મદદ મળતી રહેતી હતી. છતાં ધીમે ધીમે ગૌ ધન મોટી સંખ્યામાં થઈ જતા તેઓ માટે ઘાસચારાની વ્યવસ્થા માટે બે પાંચ રૂપિયાની આર્થિક સહાય લોકો પાસેથી એકત્રિત કરવાનો સમય આવી ગયો હતો.

કોરોના કાળ દરમિયાન 2020માં લાગેલા લોકડાઉન સમયે સોમાભાઈ અને તેઓનું પરિવાર ગૌધન માટે ઘાસની વ્યવસ્થા કરવા બોડેલી નજીક મકાઈ કાપવાની મજૂરી કરવા માટે ગયા હતા. જ્યાં એક ખેડૂતે બાકીમાં ઘાસ આપતા ગૌધન માટે ઘાસ ચારાની વ્યવસ્થા થઈ હતી. ત્યારબાદ એ ખેડૂત પાંજરાપોળ ચલાવતા સોમાભાઈનો ગૌ ધન પ્રત્યેનો ભાવ અને નિઃસ્વાર્થ સેવા જોઈ પાંજરાપોળ જોવા માટે આવતા તેઓ સોમાભાઈ અને તેમના મિત્રોનો ગૌ માતા પ્રત્યેનો પ્રેમ જોઈ ખરેખર ગદગદ થયા હતા.

કોઈ પણ જાતની આવક વિના માત્ર લોકોના દાન થકી દોઢસોથી વધુ ગૌધનને સંભાળવાનું કઠિન કાર્ય અત્રે થતું જોઈ, તેઓએ આ પાંજરાપોળના સંચાલકો પોતાની આવક ઉભી કરી શકે તે માટે ગાયના છાણમાંથી લાકડાની સ્ટીક બનાવવાનું મશીન દાનમાં આપતા હોળીમાં બે માસ પહેલા છાણમાંથી લાકડાંની સ્ટીક બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. આજે ચાર વર્ષથી અહીં વૈદિક હોળી પ્રગટાવવા માટે ગોબરમાંથી બનાવવામાં આવતા ગૌ સ્ટીકનો ઉપયોગ અનેક શહેરોમાં થઈ રહ્યો છે.

પહેલા આ છાણના લાકડાં ક્યાં વેચીશું એની ચિંતા છતાં સતત ઉત્પાદન ચાલુ રાખતા વૈદિક હોળી પ્રગટાવવાના વધતા ક્રેઝ સામે તેઓએ ઉત્પાદિત કરેલા તમામ લાકડાં વેચાઈ ગયા હતા. એક કિલો ગ્રામ વજનની એક સ્ટીક મળી 14 જેટલી સ્ટીકને બેગમાં પેક કરી વેચવામાં આવી રહી છે. પહેલા વર્ષે 5 રૂપિયા પ્રતિ સ્ટીકના ભાવે ચાર ટેમ્પો ભરીને ગૌ છાણના લાકડાં વેચ્યાં હતા. જે પછીથી પ્રતિ સ્ટીક 10 રૂપિયાના ભાવ મળતા પાંજરાપોળને બાર વર્ષ પછી પોતાની આવક ઉભી થતા સંચાલકો આત્મબળે આત્મનિર્ભર બન્યા હતા. આ સ્ટીક અત્રેથી લઈ જઈ વેપારીઓ કે બજારમાં 30 પ્રતિ સ્ટીકના ભાવે વેચી રહ્યા છે.

ગૌ સેવામાં તરબોળ બનેલા સોમાભાઈ સૌને અહીંથી ગાયના ગોબરમાંથી બનાવેલી ગૌ સ્ટિક મેળવવા જણાવી રહ્યાં છે. આજે પણ ગૌશાળા 15 રૂપિયા પ્રતિ સ્ટિકના ભાવે અહીં વેચાણ કરે છે. ચાલુ વર્ષે હોળી નજીક છે, ત્યારે 100 ટન જેટલી ગૌ સ્ટીકનું વેચાણ તેઓએ કર્યું હોવાનું જણાવ્યું હતું.

પાંજરાપોળ દ્વારા આ ઉત્પાદન માત્ર હોળીના ત્યોહાર પૂરતું મર્યાદિત ન રાખતા આખું વર્ષ ચાલુ રાખી જરૂરિયાત મુજબ ગૌ સ્ટીક સિવાય અન્ય ચીજ વસ્તુઓનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. ધાર્મિક પૂજા અને યજ્ઞ માટેના કોડિયા, ગૌ છાણના હારડા, જેવી અનેક ચીજ વસ્તુઓ તથા ગૌમૂત્ર માંથી ફીનાઇલ જેવી ચીજ વસ્તુઓ ઉત્પાદન કરી રહ્યાં છે.

સોમાભાઈ જણાવે છે વેતર પુરા થતા ગૌ ધનને કતલ માટે ન આપશો, તેના છાણમાંથી પણ આજીવન તમે ગૌધનની સેવા પૂજા અને લાલન પાલન કરી શકો એટલું કમાઈ શકો છો. વૈદિક હોળી પ્રગટાવવાથી પણ અનેક ફાયદાઓ આ ગામડાઓના લોકો પાસેથી જાણવા મળે છે. પર્યાવરણ માટે આશીર્વાદ વૈદિક હોળી પ્રગટાવવા માટે અત્યારે વડોદરા, ભરૂચ, સુરત તરફના લોકો પણ અહીંથી વાહનોમાં ભરી ગૌ સ્ટીક લઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...