પ્રેમી પંખીડાએ મોત વ્હાલું કર્યું:ઘોઘંબામાં સગીર પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, યુવતીની ત્રણ નાની બહેનો ફરી એક વાર અનાથ બની

હાલોલ20 દિવસ પહેલા

ઘોઘંબા તાલુકાના પલ્લી ગામની બાજુમાં આવેલ મોરિયા ડુંગર ઉપર સગીરા અને યુવકના ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવતા ઘોઘંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. માં બાપ વગરની સગીરા ઘોઘંબા ખાતે રહેતી હતી અને યુવક નજીકના દાઉદ્રા ગામનો હોવાની વિગતો જાણવા મળી છે.

ઘોઘંબા નજીક આવેલા મોરિયા ડુંગરના જંગલમાં આજે એક સાગના ઝાડ ઉપર યુવક યુવતીના મૃતદેહો લટકી રહ્યા હોવાની જાણ શાળાએ જતા બાળકોને થઈ હતી. જંગલ નજીકથી જઈ રહેલા બાળકોને મોબાઈલની રિંગ સાંભળતા અંદરની બાજુ જોવા જતા સાગના ઝાડ ઉપર બંને મૃતદેહો જોઈ બાળકો ભાગી છૂટ્યા હતા અને ગામ લોકોને જાણ કરતા લોકોના ટોળા એકત્ર થયા હતા.

ઘોઘંબા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઓઢણી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહેલા બંને મૃતદેહોને ઝાડ ઉપરથી નીચે ઉતારવાની કામગીરી કરી હતી. બંને મૃતદેહોમાં યુવક ઘોઘંબા તાલુકાના દાઉદ્રા ગામનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સગીર યુવતી ઘોઘંબા ખાતે રહેતી હોવાનું અને અનાથ હોઈ નાની ત્રણ બહેનોની જવાબદારી સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

યુવક અને યુવતી બંને સગીર હતા, બંનેને એક બીજા સાથે પ્રેમ સંબંધ હતા, ભિન્ન સમાજના હતા એટલે એક નહીં થઈ શકવાના ડરે બંને એ એક સાથે જીવનનો અંત આણ્યો હોવાની હકીકતો સામે આવી છે. યુવતી માતા પિતા વિનાની હતી અને ચાર બહેનોના પરિવારમાં સૌથી મોટી હતી એટલે પારિવારિક જવાબદારીઓ નિભાવતી હતી. હવે અન્ય ત્રણ નાની બહેનો ફરી એક વાર અનાથ બની છે.

અન્ય સમાચારો પણ છે...