પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દિપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તાલુકાના ડુંગરાળ વિસ્તાર એવા વાવકુંડલી ગામે ગત રાત્રે માતાના ખોળામાં સ્તનપાન કરી રહેલ બાળકને દિપડો ખેંચી જતા માતાએ બાળકને બચાવવા દીપડાનો પીછો પણ કર્યો હતો. પરંતુ અંધારામાં દીપડો પલાયન થઈ જતા માતાએ આક્રંદ મચાવી મૂક્યું હતું.
દીપડો માતાના ખોળામાંથી બાળકને ઉઠાવી ગયો
ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે ખેતી સાચવવા ખેતરમાં ઝૂંપડું બનાવી પત્ની અને બાળક સાથે રહેતા કાળુભાઇ રણછોડભાઈ બારીઆ ગત રાત્રે ઘરમાં હતા. ત્યારે પત્ની આઠ માસના બાળક મયુરને સ્તનપાન કરાવી રહી હતી. એ સમયે ઝૂંપડામાં ઘુસી આવેલા દીપડાએ જનેતાના હાથમાંથી બાળકને ઉઠાવી જતા માતાએ પોતાના બાળકને બચાવવા રણચંડી બની દીપડા પાછળ દોડી હતી.
ફોરેસ્ટ વિભાગે અને ગામના લોકોએ ભેગા મળી બાળકની શોધખોળ હાથ ધરી
માતાએ ખેતર સુધી પીછો કરવા છતાં દીપડાનો ક્યાંય પતો લાગ્યો ન હતો. પોતાના વહાલસોયા બાળકને દીપડો હાથમાંથી ઉઠાવી જતા માતાએ આક્રંદ મચાવી મુકતા ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગામના આગેવાનો દ્વારા વહેલી સવારે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ ગામના લોકો ભેગા મળી બાળકની શોધખોળ ચાલુ કરી હતી. શોધખોળ કરતા ખેતરમાં આવેલ ઘર નજીક નાની ડુંગરી પરથી આઠ માસના મયુરનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગત વર્ષે માનવ ભક્ષી દીપડાએ બાળકનો શિકાર કર્યાની ઘટના બની હતી
ઘોઘંબાના આ વિસ્તારમાં ગત વર્ષે માનવ ભક્ષી દીપડાએ બાળકોને શિકાર કર્યા હોવાની ઘટનાઓ બની હતી. જેથી વન્યપ્રાણી વિભાગની ટીમે કેમેરા લગાવ્યા હતા અને પાંજરા મૂકી દીપડાને પકડી પાડતા આવી ઘટનાઓ પર અંકુશ આવ્યો હતો. પરંતુ વાવકુંડલી ગામે બનેલી ઘટના બાદ ફરી એક વાર આ વિસ્તારના લોકોમાં દીપડાનો ભય ઉભો થયો છે.
દીકરાને બચાવી ન શક્યાનો અફસોસ પરિવારને આજીવન રહે છે
ઘોઘંબા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ઘટના સ્થળની મુલાકાત લઈ અને બાળક ગુમાવનાર પરિવારને સાંત્વના આપી હતી. વન વિભાગ દ્વારા આવા બનાવો બાદ એક્શન લેવામાં આવતી હોય છે જેથી લોકોને રાહત રહે છે. પરંતુ જે માતાઓ પોતાના દીકરાઓ ગુમાવે છે તે તેઓને કદી પરત નથી મળતા. પરિવારનો સભ્ય અને તે પણ દીકરાને બચાવવા કાંઈ ન કરી શક્યાનો અફસોસ પરિવારના સભ્યોમાં આજીવન રહી જતો હોય છે.
પાંજરા, નાઇટ વિઝન કેમેરા ગોઠવાશે
અમને જેવી જ બાતમી મળી હતી એવી જ હું મારા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખો વિસ્તાર ફેદી વળતા અંદાજીત 500 મીટર દૂર જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં અમો એ આગળ પાછળ તપાસ હાથ ધરવામાં આવતા બીજુ કશું મળી આવ્યું નથી. અમોએ પાંજરા મુકવાની તેમજ નાઈટ વિઝન કેમેરા ગોઠવવાની તૈયારી કરી લીધી છે. જંગલ વિસ્તાર હોય આજુબાજુ બધે ખેતરો હોવાથી થોડી મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ પ્રયત્નો હાથ ધર્યા છે. - એસ પી કટારા, ફોરેસ્ટ ઓફિસર, રાજગઢ રેન્જ
અચાનક દીપડાએ તરાપ મારી હતી
હું મારા પુત્ર મયુરને સ્તનપાન કરાવતી હતી. ત્યારે અચાનક જ દીપડાએ તરાપ મારી અને પુત્રને ખેચીને લઈ જતા મે બૂમો પાડીને પાછળ પાછળ દોડી હતી. પરંતુ દીપડો મારા પુત્રને લઇને નાસી ગયો હતો. - જશોદાબેન, મયુરની માતા
કાયમી કામગીરી હાથ ધરવામાં આવે
અમારા વિસ્તારમાં આ ત્રીજો બનાવ બન્યો છે. ત્યારે વારંવાર બનતા આવા બનાવો છાશવારે બનતા હોય રોકવા જરૂરી છે. ફોરેસ્ટ વિભાગ કાયમી ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે એવું ઈચ્છીએ છીએ. -તખ્તસિંહ, સરપંચ, પાદેડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.