જાંબુઘોડામાં અનરાધાર વરસાદ:પાંચ કલાકમાં 13 ઇંચ ખાબકતાં અનેક ગામોમાં પાણી ભરાયાં, વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત

હાલોલ3 મહિનો પહેલા
  • સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વરસેલા વરસાદે ગામમાં રોડ-રસ્તાઓને પાણીમાં ગરકાવ કર્યા
  • ભરાયેલા પાણીનો નિકાલ માટે અધિકારીઓ કામે લાગ્યા

પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા જાંબુઘોડામાં શરૂ થયેલો વરસાદ એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસી જતાં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયાં હતાં. એક તબક્કે હાલોલ-બોડેલી નેશનલ હાઇવે સાંજે 8:00 કલાકે તંત્રને બંધ કરી દેવાની ફરજ પડી હતી. જાંબુઘોડા બીડેલી માર્ગ પર ખાખરિયા ગામે કોતરના પાણી ગામ અને રોડ ઉપર વળતા અનેક વાહનચાલકો જાંબુઘોડા અને ખાખરિયા ગામે ફસાયા હતા.

ખાખરિયા ગામ પાસે આવેલું નાળું ક્ષતિગ્રસ્ત
રાત્રે 8:00 વાગ્યા પછી પણ ધોધમાર વરસાદે બે કલાકમાં વધુ બે ઇંચ પાણી વરસી ગયું હતું. પાણી ઓસરે અને વાહનવ્યવહાર શરૂ થાય એ પહેલાં રાત્રે 10:00 વાગ્યા પછી મધ્યરાત્રિ સુધી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં રાત્રે 8:00 વાગ્યે બંધ થયેલો વાહનવ્યવહાર આજે સવાર સુધી શરૂ થઈ શક્યો નહોતો. ખાખરિયા ગામ પાસે આવેલું નાળું ક્ષતિગ્રસ્ત થતાં વાહનો પસાર કરવા જોખમી બનતાં મોટાં વાહનો થંભાવી દેવાયાં હતાં. તો કકરોલિયા અને બોડેલી વચ્ચે મનજીપુરા ગામ પાસેનું નાળું ધોવાઈ જતાં સંપૂર્ણ વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અનરાધાર વરસેલા વરસાદે જાંબુઘોડા ગામમાં રોડ-રસ્તાઓને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. મધ્યરાત્રિ સુધી ગામના લોકો લાઈટો ચાલુ રાખી બેસી રહ્યા હતા.

વરસાદને પગલે મકાન ધરાશાયી.
વરસાદને પગલે મકાન ધરાશાયી.

ભરાયેલા પાણીનો નિકાલ માટે અધિકારીઓ જોડાયા
પાવીજેતપુર તાલુકાનો સુખી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલી દેવામાં આવતાં જાંબુઘોડાની સુખી નદી બે કાંઠે વહેતાં વરસાદી પાણીનો નિકાલ ધીમો બન્યો હતો. યુવા સરપંચ જીત દેસાઈ, તલાટી- કમ-મંત્રી, પોલીસ-ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ રાત્રિ દરમિયાન પણ ગામમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવવા જોડાયા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં
સતત વરસેલા વરસાદમાં જાંબુઘોડાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં હતાં. કેટલાંક મકાનોમાં પાણી ભરાતાં એની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટનાઓ પણ બની છે. ગામની વચ્ચે આવેલી તલાવડી ભરાઈને ઊભરાતાં નજીકનાં મકાનોમાં પાણી ભરાતાં રાત્રે જેસીબી દ્વારા પાણીને અન્યત્ર વાળવામાં આવ્યાં હતાં. તો પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરતી ગ્રામપંચાયતની કમ્પાઉન્ડવોલ પણ તોડી નાખવામાં આવી હતી.

વ્યવહાર ચાલુ કરાવવા પ્રયાસ હાથ ધરાયા
તાલુકાના ડુમા, હવેલી, ગુંદીવેરી, કેવા તરફનાં ગામોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો રામપુરા, ફૂલપરી, ભણપુરી, ભણપુરા તરફના માર્ગ ઉપર કોઝ વે ધોવાઈ જતાં આ ગામોનો રોડ સંપર્ક તૂટ્યો હતો. રાત્રે બંધ થયેલો હાલોલ-બોડેલી નેશનલ હાઈવે પર અનેક વાહનો ફસાયેલાં છે. તંત્ર દ્વારા ધોવાયેલા કોઝ-વે, નાળાંમાં કામચલાઉ કામગીરી કરી વાહનવ્યવહાર ચાલુ કરાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...