પંચમહાલ જિલ્લા મથકની નજીકમાં કાલોલ તાલુકાના ઘૂસર વિસ્તારમાંથી પસાર થતી ગોમાં નદી સફેદ રેતીનો કાળો કારોબાર કરનારા રેતી માફિયાઓ માટે આશીર્વાદરૂપ બની છે. સરકારી અધિકારીઓની રહેમનજર નીચે આ વિસ્તારમાંથી દિવસ રાત રેતી ઉલેચવામાં આવી રહી છે. એટલે જ ટ્રેક્ટરો ભરી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ બન્યા છે, ગ્રામજનો વિરોધ કરે કે અવાજ ઉઠાવે તો હુમલા કરી ગ્રામજનોનો અવાજ દબાવી દેતા પણ આ માફિયાઓ ખચકાતા નથી.
આજે આવીજ એક ઘટના ગત રોજ વેજલપુર પાસે ઘૂસર ગામે બની હતી, જ્યાં સ્થાનિક લોકોએ ગેરકાયદે રેતી ઉલેચતા ટ્રેક્ટરો પકડ્યા હતા અને ખનીજ વિભાગ તથા મામલતદારને બોલાવતા દોઢ કલાક સુધી કોઈ આવ્યું નહીં આ સમયમાં ખનન માફિયાઓ અને સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી અંતે હાથપાઈમાં ફેરવાઈ હતી.
કાલોલ તાલુકાના ઘૂસર વિસ્તારમાંથી પસાર થતી ગોમાં નદીનો વિસ્તાર જિલ્લા મથક ગોધરાની નજીક જ આવેલો છે. ત્યારે અહીં ધમધમતી રેતી ચોરી અટકાવવા તાલુકાનું અને પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે, ગોમાં નદીના પટ માંથી સતત રેતી ખનન થતા પાણીના જળ સ્ટાર અનેક ગામોમાં નીચા ઉતરી ગયા છે. આ વિસ્તારમાં બેફામ બનેલા રેતી ચોરો દિવસ રાત નદીના પટ માંથી રેતી કાઢી રહ્યા છે.
આ ખનન ચોરી અટકાવવાની સ્થાનિક અને પંચમહાલ જિલ્લાના જે અધિકારીઓની જવાબદારી છે તે સરકારી બાબુઓ ના છુપા આશીર્વાદથી જ આ વિસ્તારમાં અનેક રેતીના ગેરકાયદે સ્ટોક ઉભા થયા છે. જ્યાં રોયલ્ટી ચોરી કરીને ટ્રેક્ટરો મારફતે રેતી લાવવામાં આવે છે અને આ સ્ટોકમાંથી બોગસ રોયલ્ટી પાસના આધારે રેતીને પેકીંગ કરી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે.
આ વિસ્તારમાં દિવસ રાત સફેદ રેતીનો કાળો કારોબાર કરી બેફામ બનેલા ખનન ચોરોને અધિકારીઓનો કે પોલીસનો પણ ડર નથી રહ્યો. બે દિવસ પહેલા ઘૂસરના સ્થાનિક આગેવાન દ્વારા આ ગેરકાયદે ચાલતી રેતી ચોરી અટકાવવા તાલુકા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. એ સંદર્ભે આજે તપાસ આવવાની હોવાથી સ્થાનીક રહીશો એ ગેરકાયદે ચાલતા રેતીના ટ્રેક્ટરો અટકાવતા રેતી માફિયાઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે બબાલ થઈ હતી. રેતી માફિયાઓ એ જાહેરમાં સ્થાનિક લોકો સાથે હાથાપાઈ કરી ટ્રેક્ટરો છોડાવી જવા પ્રયત્ન કર્યા હતા.
વેજલપુર વિસ્તારના કેટલાક માથાભારે રેતી માફિયાઓએ પોતાના ટ્રેક્ટરો અટકાવતા સ્થાનિક લોકો ઉપર હુમલો કરી તેમના ટ્રેક્ટર છોડાવી લીધા હતા. એક તબક્કે ઘૂસર રોડ માફિયાઓએ બાનમાં લીધો હતો અને રેતી ચોરી અટકાવવા પ્રયાસ કરતા ગ્રામજનોને વેજલપુરમાં આવો તમને જોઈ લઈશું તેવી ધમકીઓ આપતા આ સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
અત્રે ચૂંટાયેલા ધારાસભ્ય ચૂંટણી પહેલા ગોમાં નદીમાંથી કરવા આવતી ખનન ચોરી મામલે આકરું વલણ અપનાવતા આ તમામ ગેરકાયદે ધંધા બંધ કરાવી દેવાના તેવર બતાવતા આ વિસ્તારના લોકોએ ખોબે ખોબા મત આપતા એક લાખથી વધુ મતોની સરસાઈ મેળવી જીત મેળવી હતી, પરંતુ આ વિસ્તારના લોકો ધારાસભ્ય પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે, તેઓના વિસ્તાર મતજી ગેરકાયદે થતું ખનન બંધ થાય. સ્થાનિક લોકોને અધિકારીઓ ઉપર ભરોસો નથી રહ્યો, જ્યારે જનતા રેડ કરાય છે ત્યારે ખનન વિભાગને જાણ કરવામાં આવતા જ માફિયાઓ સચેત થઈ જતા હોય છે, અને પકડાય તો અધિકારીઓ સમય સર પહોંચતા જ નથી.
ગત રોજ સર્જાયેલા ઘર્ષણ બાદ મોડે મોડે સરકારી ગાડીઓ ઘૂસર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લા ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરો અને ઓફિસર્સ પોતાના નંબરો પણ બંધ રાખતા હોવાથી અથવા તેઓ ફોન રિસીવ જ નથી કરતા એવી પણ બુમો ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.