સમસ્યા:હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લીધે નગરજનો પરેશાન

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ ભૂગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાઇ ગયેલી ટ્રક. }મકસુદ મલીક - Divya Bhaskar
હાલોલ ભૂગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાઇ ગયેલી ટ્રક. }મકસુદ મલીક
  • તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નહીં કરાતાં રોષ
  • ખાડામાં વાહનો ફસાવવાના સતત બનતા બનાવો રસ્તાઓનું સમારકામ થાય તેવી લોકોની પ્રબળ માગ

હાલોલ નગરમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને વહીવટી તંત્રની કોન્ટ્રાક્ટર છાવરવાની નીતિના પાપે નગરજનો આવા ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ભૂગર્ભ ગટર યોજનની કામગીરી અંતર્ગત નગરના તમામ મુખ્ય રોડ રસ્તાઓ સહિત મોટાભાગના ફળિયા, સોસાયટીઓ, સહિત અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવવા માટે પાઇપ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન તમામ મુખ્ય રોડ રસ્તાઓ ખોદી નાખી પાઇપ લાઈનનું કામ પૂર્ણ થયા બાદ કોઈપણ જાતનું વ્યવસ્થિત પૂરણ ન કરી માત્ર માટીથી ખાડા ભરી જે તે હાલતમાં છોડી દેવાતા આવા રસ્તાઓ પરથી પસાર થતાં નાના મોટા વાહનો ખાડાઓમાં ફસાવવાના બનાવો બની રહ્યા છે.

વાહનો ખાડામાં ફસાતા વાહન માલિકોને ભારે નુકસાન તેમજ સમય બરબાદીનો ભોગ બનવું પડી રહ્યું છે. શુક્રવારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ દ્વારકેશ ચેમ્બર પાસેના મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરના ખાડામાં એક ટ્રક ફસાઇ હતી. જે બાદ એક એસ.ટી બસ પણ ફસાતા વાહનોથી સતત ધમધમતા આ રોડ પર વાહનોની લાંબી લાંબી લાઈનો ખડકાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એસ.ટી બસમાં સવાર મુસાફરોએ જાતે કાળઝાળ ગરમીમાં બપોરના સુમારે બહાર ઉતરી એસ.ટી બસને ધક્કા મારી ખાડામાંથી બહાર કાઢવા માટેની ફરજ પડી હતી.

એક જ રોડ પર ટ્રક અને એસ.ટી બસ ખાડામાં ફસાતા ખાડામાંથી બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. લાંબા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો. નગરમાં આયોજન વિનાની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને છાવરતા વહીવટીતંત્ર સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વહેલામાં વહેલી તકે નગરના તમામ રોડ રસ્તાઓનું સમારકામ થાય તેવી પ્રબળ માગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...