હાલોલ જીઆઇડીસીમાં આવેલી મારુતિ કોટસુ સિલિન્ડર દ્વારા કંપનીમાં વર્ષોથી કામ કરતા કામદારો સાથે અન્યાય કરવામાં આવતાં હોવાના આક્ષેપો સાથે કંપનીના વર્ષો જૂના 80 જેટલા કામદારો પોતાની પડતર માંગણીઓ મુદ્દે કંપની સામે આંદોલનનું રણશિંગુ ફૂંકી કંપની સામે ધરણા પર બેસી ગયા છે. જેમાં કંપનીના કામદારોને તારીખ 23 માર્ચ-2017ના રોજ કંપનીના મેનેજમેન્ટે કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના કે ક્લોઝર નોટિસ આપ્યા વીના કંપનીએ લોક આઉટ કરી દીધી હતી.
જેને લઈ મારુતિ કોટસુ સિલિન્ડર કંપની બંધ થતાં કામદારોએ પોતાનો નીકળતો બાકીનો હિસાબ અને પી.એફ.ની રકમ ખાતામાં જમા કરાવવા માગણી કરી હતી. પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા તેઓની વાતને ટલ્લે ચઢાવી દઇ કંપની બંધ કર્યાના બે વર્ષ બાદ કંપનીને ફરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ વર્ષો જૂના કામદારોને પરત ન લેવાયા હતા.
જેને લઇને કંપનીના જુના કામદારોએ પુનઃ નોકરી પર લેવાની રજૂઆત કરી હતી. પરંતુ કંપનીમાં નવા નિમાયેલા મેનેજમેન્ટે અમોને કઈં ખબર નથી તેમ કહી ઉડાઉ જવાબો આપી એક પણ કામદારને પરત નોકરી પર લીધા ન હતાં . આખરે હારી થાકી કંપનીના 80 જેટલા કામદારોએ પોતાને થઇ રહેલા અન્યાયને પગલે આંદોલનનું રણશિંગુ ફૂંકી લડતના મંડાણ કર્યા હતા.
કામદારો કંપનીના ગેટ સામે ધરણા પર બેસી ગયા હતા અને માગણી પુરી કરવાની માંગ કરી હતી. જો આગામી દિવસોમાં તેઓને કોઈ ન્યાય નહીં મળે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી તેમજ આ બાબતે સમગ્ર મામલાને લઇને સરકારને પણ રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે મધ્યસ્થી બનવા માટે કામદારોએ અપીલ કરી છે.
ક્લોઝર નોટિસ વગર કંપની બંધ કરી
હાલોલ જીઆઇડીસી માં આવેલ મારુતિ કોટસુ સિલિન્ડર કંપનીએ 23 માર્ચ 2017 થી કોઈપણ જાતની ક્લોઝર નોટિસ વગર કંપની બંધ કરી અમને કંપનીમાંથી બહાર કાઢી મુક્યા હતા. બે વર્ષ બાદ કંપની ફરીથી ચાલુ થઈ નોકરી માટે માગણી કરી તો નોકરી ન આપી અમારા બાકી નીકળતા નાણા પણ ન આપ્યા. આજે હું ટેક્નિસિયન થઈ છૂટક મજૂરી કરું છું જે કામ નથી કર્યું તે કરવું પડે છે. આમારી વેદનાને તંત્ર સમજે અને અમને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. - અર્જુનસિંહ પડવારઅસરગ્રસ્ત કામદાર
પરિવાર ભૂખે મરી રહ્યો છે
હાલ 80 કામદારો કંપનીની બહાર ધરણા પર બેઠા છે. અમારા ચાર પગાર ગ્રેજ્યુટી સહિત 2013થી અમારા પગારમાંથી પીએફ કાપી લીધું છે. પણ કંપનીએ ભર્યું નથી. કંપનીનું નામ બદલાયું છે. પ્રોડક્ટ એજ છે મેનેજમેન્ટ કહે છે અમે તમને ઓળખતા નથી. જુના મેંનેજમેન્ટ પાસે જાવ પાંચ વર્ષથી અમારો નિકાલ આવતો નથી. અમારો પરિવાર ભૂખે મરી રહ્યો છે. - કાંતિભાઈ ગોહિલ, કામદાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.