ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગના ગોધરા ડિવિઝનના હાલોલ ડેપો દ્વારા હાલોલ-પાવાગઢ- થરાદના રૂટ માટે નવી આવેલી 2×2 પુશ બેક સીટ લક્ઝરી એસટી બસનું ઉદ્ઘાટન હાલોલ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે પૂજા અને કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અન્ય રાજકીય આગેવાનોએ લીલી ઝંડી આપી એસટી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે હાલોલથી પાવાગઢ માચી સુધી મીની બસના નવ રૂટની પણ શરૂઆત કરવામાં આવી હતી.
ગોધરા ડિવિઝનના હાલોલ એસટી ડેપોએ પાવાગઢ-થરાદના ચાલતા રૂટ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી 2×2 લક્ઝરી એસટીબસના કોચની શરૂઆત કરવામાં આવી હતી. આજે બપોરે હાલોલ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે આ નવી એસટી બસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. હાલ એક જ બસ ફાળવવામાં આવી હોવાથી આ રૂટ ઉપર સામસામે ચાલતી બે એસટી બસ પૈકી એક તરફના ફેર ઉપર લક્ઝરી બસ અને બીજી તરફના ફેર ઉપર ગુર્જરનગરી એસટી બસ ચલાવવામાં આવશે, તેવું એસટી વિભાગના અધિકારી એ જણાવ્યું છે.
આજે થરાદ રૂટની નવી બસ સાથે પાવાગઢ ડેપોમાંથી માચી સુધીના રૂટ માટે લોકલ 8 રૂપિયાના ભાડા સાથે મીની એસટી બસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ મીની બસ પાવાગઢથી માચી સુધી સવારથી સાંજ સુધી કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવશે. આ રૂટ પાવાગઢ મહાકાળી મંદિરે એસટી બસમાં આવતા બહારના યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.
આજે જુના રૂટ ઉપર નવી લક્ઝરી બસ અને અન્ય એક નવો રૂટ બંને બસોને કુમકુમ તિલક કરી પૂજા વિધિ સાથે શરૂ કરાયા હતા. આ પ્રસંગે હાલોલ એસટી ડેપોના મેનેજર તથા સ્ટાફ અને નગરના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.