બિલ વસૂલવા એમજીવીસીએલ આક્રમક મૂડમાં:હાલોલ નગરપાલિકાનું કરોડો રૂપિયાનું લાઇટબીલ બાકી; અગિયાર વીજ જોડાણો કાપી નાખતા શહેરના 10% વિસ્તારમાં અંધારપટ

હાલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ નગરપાલિકાના વીજ જોડાણોની બે કરોડથી વધારેની વસૂલાત માટે નોટિસો આપવા આવ્યા છતાં બાકી બિલ ભરવામાં ન આવતા એમજીવીસીએલની હાલોલ ડિવિઝન ઓફીસ દ્વારા અગિયાર જેટલા જોડાણો કાપી નાખતા નગરના કેટલાક વિસ્તારોમાં રાત્રે અંધારપટ છવાઈ જવા પામ્યો છે. નગરના રહીશો પાલિકાની કામગીરી ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. ચીફ ઓફિસર અને વહીવટદાર દ્વારા નગરની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવે તેવી માગ નગરજનો કરી રહ્યા છે.

હાલોલ એમજીવીસીએલ દ્વારા શહેરના સ્ટ્રીટ લાઈટના 129 જોડાણોના 75.2 લાખ રૂપિયા અને વોટરવર્ક્સના 62 જોડાણોના 128.22 લાખ રૂપિયાના બાકી બિલ ભરવા માટે નગરપાલિકાને વારંવાર નોટિસ આપવા છતાં બિલ ભરવામાં નહીં આવતા સ્ટ્રીટ લાઈટના અગિયાર વીજ જોડાણો કાપી નાખવામાં આવતા હાલોલ શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે અંધારપટ છવાઈ જવા પામ્યો હતો.

શહેરના નિશાળ ફળિયું, જાંબુડી, પાવાગઢ રોડ, કસ્બા, હોટલ હેરિટેજ બાયપાસ વિસ્તાર, નગીના પાર્ક, ટીંબી ચોકડી, હોટલ યુવરાજ, ગેલ ઇન્ડિયા કંપની વિસ્તાર, બીએસએનએલ, પ્રેમ સ્ટેટ, સ્વામીનારાયણ મંદિર જેવા વિસ્તારોનું વીજ કનેક્શન વીજ કંપની દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કાપી નાખવામાં આવ્યું હોવાથી આ તમામ વિસ્તારોમાં રાત્રે અંધારું થઈ જતા રાહોશોને ચોરી-લૂંટનો ભય સતાવી રહ્યો છે.

રહીશો લાઈટ બંધ રહેતા કોઈ ફોલ્ટ સર્જાયો હશે તેમ જણાતા હતા, પરંતુ સતત બે દિવસ લાઈટ બંધ રહેતા પાલિકામાં ફરિયાદ કરવા જતાં જાણવા મળ્યું કે, બાકી વસૂલાતને કારણે એમજીવીસીએલ દ્વારા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. હાલ નગરપાલિકાની ટર્મ પુરી થઈ જતા વહીવટદાર તરીકે હાલોલ પ્રાંત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે શહેરના દબાણો, બાકી વેરા વસૂલાત સહિત નગરમાં અનેક ગેરકાયદે બાંધકામોની થઈ ગયેલી નોંધાણીઓ જેવા અનેક સળગતા મુદ્દાઓની તપાસની સાથે સાથે હાલોલની પ્રજાને રાત્રે સુરક્ષા માટે સ્ટ્રીટલાઈટની સુવિધા નિરંતર મળતી રહે તે જોવાની જવાબદારી પણ તેઓના શિરે છે. ત્યારે પાલિકા વહેલી તકે એમજીવીસીએલનું દેવું ભરપાઈ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...