જૈન સમાજ આકરા પાણીએ:હાલોલ જૈન સંઘે આવેદનપત્ર આપી શેત્રુંજય ગિરિરાજની નિંદનીય ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી

હાલોલએક મહિનો પહેલા

હાલોલના સમસ્ત મારવાડી જૈન સંપ્રદાયે એકત્ર થઈ હાલોલ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. જૈન સમુદાયની મહિલાઓ પુરુષો, વૃદ્ધો અને બાળકો ભેગા થઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને સત્તાધારી સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આવેદન આપ્યું હતું. શત્રુંજય ગિરિરાજ ઉપર રોહિશાળામાં પ્રાચીન ત્રણ ગાઉની પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલા પ્રભુ આદિનાથની ચરણ પાદુકા ખંડિત કરવાના કૃત્ય સામે નિષ્પક્ષ તપાસ થાય અને અહીં દારૂની બદી દૂર કરવા તથા અસામાજિક પ્રવૃતિઓ અને દબાણ સહિત અન્ય ઓગણીસ મુદ્દાઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

શેત્રુંજય ગિરિરાજમાં 26 મી નવેમ્બર' 22 ની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રભુ આદિનાથની ચરણ પાદુકા ખંડિત કરવાના કૃત્ય સામે તટસ્થ તપાસ કરવામાં નહીં આવતા સમસ્ત જૈન સમુદાય સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. આ અંગે 2017થી સતત રજૂઆતો કરવા છતાં સત્તાધારી સરકાર કાંઈ નક્કર પગલાં ભરતી નહીં હોવાનું અને અહીં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિન્દૂ પ્રજામાં વૈમનસ્વ વધે તેવા પ્રયાસો કરી અત્રે સંપૂર્ણ જૈન સમુદાયની માલિકીના આ ગિરિરાજ ઉપર ગેરકાયદે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હોવા સહિતના અનેક મુદ્દાઓ સાથે આજે હાલોલ મારવાડી જૈન સમાજના મહિલાઓ, પુરુષો, બાળકો અને વૃદ્ધોએ રાજ્ય સરકારની નીતિઓ સામે સવાલો ઉભા કરી બેનર્સ અને હોર્ડિંગ્સ સાથે સૂત્રોચ્ચાર સાથે શેત્રુંજય ગિરિરાજ મામલે હાલોલ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિરુદ્ધ જઈને આ ગિરિરાજ ઉપર અસામાજિક તત્વો દ્વારા મનમાની કરીને દબાણ કરવામાં આવી રહ્યું છે. તથા જૈન સમુદાયની મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જૈનોના તીર્થ સ્થાન ઉપર જો એકલદોકલ દર્શન માટે કોઈ યાત્રિક જાય છે તો તેને ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પાલીતાણા તળેટી રોડ ઉપર ફૂટપાથ તથા રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં આવેલા છે. આના કારણે દેશ-વિદેશથી આવતાં યાત્રિકોને તથા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને પગપાળા ચાલવામાં ખૂબ જ હેરાનગતિ થઈ રહી હોવા ઉપરાંત અહીં વારંવાર અકસ્માતો થતી હોવાની ઘટનાઓ બનતી રહે છે. શેત્રુંજય ગિરિરાજને નીચેની બાજુમાં ગોચર જેવી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોનો વસવાટ વધારવામાં આવી રહ્યો છે અને તે માટે મોટા પ્રમાણમાં પવિત્ર શત્રુંજય ગિરિરાજને તોડવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

પાલીતાણા તળેટીમાં જંબુદ્વીપની પાછળની વસવાટમાં દારૂના ભઠ્ઠાઓ ધમધમતા હોવાનું અને આજુબાજુના ગામડાઓમાં તથા પાલીતાણામાં તેના ઠેર ઠેર વેચાણ કેન્દ્રો ઉભા થયા હોવાનું જણાવી આ તમામ પ્રવૃત્તિઓને કારણે અહીં ગુનાખોરી વધી રહી છે. અને તીર્થ સ્થાનની પવિત્રતા ખંડિત થઈ હોવાનું જણાવતા અહીં આવતા યાત્રિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દારૂને કારણે યુવાવસ્થામાં યુવાનો મૃત્યુ પામી રહ્યા હોય તેઓના પરિવાર નિરાધાર બની રહ્યા હોવાથી આ બધુ તાત્કાલિક અસરથી ડામી દેવામાં આવે અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

વધુમાં શત્રુંજય ગિરિરાજ ઉપરની મોટા પ્રમાણમાં સરકારી જમીનો ખાનગી નામે ગેરકાયદેસર રીતે ચઢાવવામાં આવી રહી હોવાનું જણાવતા આવી પ્રવૃત્તિઓ ઉપર પણ અંકુશ લાદવામાં આવે તેમ રજૂઆત કરાઈ છે. અત્રે આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે અહીં ડોળી એસોસિએશનના પ્રમુખ મનાભાઈ રાઠોડ દ્વારા આ પર્વત ઉપર લેન્ડગ્રેબિંગ કરવામાં આવેલ છે. તે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે આ ઉપરાંત તેઓ દ્વારા ખંડની ઉઘરાવવામાં આવે છે અને લોકોને ધાકધમકીઓ આપવામાં આવે છે. તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે.

આ સાથે પાલીતાણા ધર્મશાળામાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મ્યુનિસિપાલટી દ્વારા પૂરું પાડવામાં આવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સિક્યુરિટી મળે, રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવામાં આવે, હિન્દુઓના ધાર્મિક મંદિરોની આસપાસ અમુક વિસ્તારમાં જે રીતે માસાહાર જેવી ચીજ વસ્તુઓ વેચાણ ઉપર પ્રતિબંધ છે, તેવા કાયદાનું અહીં ચુસ્તપણે પાલન કરાવવામાં આવે, તેવી અનેક રજૂઆતો અંગે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા રાજ્યભરના જૈનો દ્વારા આપવામાં આવતા આવેદનપત્રોના અનુસંધાને હાલોલ સમસ્ત મારવાડી જૈન સમુદાય દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...