પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામના જંગલમાં સંતાડી રાખેલો રૂા.8,95,920ના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી દારૂના ધંધા સાથે સંકળાયેલા અન્ય 3 બૂટલેગરો મળી કુલ 4 સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ અધિકારીો દ્વારા સૂચના આપવામાં આવતા પોલીસની વિવિધ શાખાઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત જિલ્લા એલસીબીના પીઆઈ જે.એન.પરમારને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામે રહેતો બૂટલેગર દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા તથા ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે બાઢવા ફળિયામાં રહેતો રાજુભાઈ વીપીનભાઈ રાઠવા ભેગા મળીને ટપલાવાવ ગામના જંગલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સંતાડી રાખી સગેવગે કરવાની પેરવીમાં છે.
બાતમીના આધારે એલસીબી પોલીસના પીએસઆઇ આઈ. એ.સીસોદીયા તથા એલસીબી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે જઈ છાપો મારી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 324 નંગ પેટીઓમાં કુલ 3,888 નંગ બોટલો મળી આવી હતી.
જેની કુલ કિંમત રૂા. 8,95,920 ગણી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી સ્થળ પરથી અલ્કેશભાઈ રમેશભાઈ રાઠવા, રહે. બાઢવા ફળિયા, રણજીતનગર તા. ઘોઘંબા તથા દારૂનો જથ્થો સંતાડી રાખી સગેવગે કરવાની પેરવીના મુખ્ય સૂત્રધાર અને બૂટલેગર દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા, રાજુભાઈ વિપિનભાઈ રાઠવા અને જગદીશભાઈ ઉર્ફે જંગલો કલ્યાણસિંહ બારીઆ, રહે. ટપલાવાવ, તા.હાલોલ મળી કુલ 4 વ્યક્તિઓ સામે જિલ્લા એલસીબી પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.