હાલોલ વડોદરા હાઇવે ઉપર પંચમહાલ જિલ્લા પોલિસની હદ પુરી થાય છે. ત્યાંજ એક સાથે ચાર વાહનો એક બીજા સાથે ભટકાતા સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં વડોદરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈને પણ ગંભીર ઇજાઓ થઈ ન હતી, પરંતુ ચાર વાહનોને ભારે નુકશાન થયું છે. એક કાર ચાલકે બ્રેક કરતા પાછળ આવી રહેલી અન્ય ચાર કાર એક બીજાની પાછળ ભટકાઈ હતી.
હાલોલ વડોદરા હાઇવે માર્ગ ઉપર જિલ્લા પોલીસની હદ પુરી થાય છે, ત્યાં હોટેલ ગોલ્ડન પેલેસ પાસે વડોદરા, અમદાવાદ અને સુરત જઇ રહેલી ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાલોલ તરફથી વડોદરા જઈ રહેલા એક મહિલા કોન્સ્ટેબલના પરિવારનું વેન્યુ કાર ચાલકે ટ્રકની સાઈડ કરવા જતાં આગળ રોડ ઉપર મુકવામાં આવેલા બેરીકેટ આવી જતા અચાનક બ્રેક કરતા તેની પાછળ અમદાવાદ જઈ રહેલા એક ઈસમની આઈ10 કાર ભટકાઈ હતી. તેની પાછળ દાહોદથી સુરત જઇ રહેલા એક પરિવારની બલેનો કાર ધડાકા ભેર ભટકાઈ હતી. ત્રણ વાહનો એક સાથે ભટકાયા બાદ વડોદરા જઇ રહેલી એક સ્વીફ્ટ કાર પણ બલેનોની પાછળ ઘુસી જતા એક સાથે ચાર કાર એક બીજા સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સ્થળે ટ્રાફિક પોઇન્ટ હોવાથી હાઇવે ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો. બનાવની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસે ઘટનાસ્થળે આવી વડોદરા તરફનો ટ્રાફિક સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરાવતા અડધો કલાક બાદ ટ્રાફિક હળવો થયો હતો. એક સાથે ચાર કાર એકબીજા પાછળ ઘુસી જતા સર્જાયેલા વિચિત્ર અકસ્માત બાદ બે કારમાં પરિવાર હતા અને બે કારમાં ચાલકો એકલા હતા. તમામ વચ્ચે ભારે ચકમક અને બોલાચાલી થતા પોલીસે દરમિયાનગિરી કરવી પડી હતી. જોકે અકસ્માતમાં કોઈને ગંભીર ઇજાઓ થઈ ન હતી, પરંતુ સામાન્ય ઇજાઓ સાથે ચાલી શકે તેવા વાહનોમાં વેન્યુ અને બલેનોના ચાલકો પોતાના વાહનો લઈ રવાના થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.