મોટી હોનારત સર્જાતા ટળી:હાલોલની મધ્યે આવેલા ગાંધી પેટ્રોલપંપની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આગ; પેટ્રોલ પંપ સુઘી આવતી આગને અટકાવવા ભારે મથામણ કરાઈ

હાલોલ23 દિવસ પહેલા

હાલોલની મધ્યે આવેલા ગાંધી પેટ્રોલ પંપની પાછળના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં આજે બપોરે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ખુલ્લા પ્લોટમાં પડેલા રબરના ટાયરો અને નકામો કચરો સળગી ઉઠતા એક તબક્કે આગ ફેલાઈને પેટ્રોલપંપ સુધી આવે તેવી સ્થિતિ ઉભી થતા પેટ્રોલ પંપના માણસોએ ફાયર સેફ્ટીના બાટલા લઈ કચરાના ઢગલામાં ઉતરી આગ ઓલવવાના કામે લાગ્યા હતા. હાલોલ પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ઉતરાયણના પર્વની ઉજવણી વચ્ચે આજે બપોરે હાલોલ શહેરની મધ્યે એસટી સ્ટેન્ડ નજીક ગોધરા તરફના રોડ ઉપર બાજુમાં આવેલ બે પેટ્રોલપંપની પાછળના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાંખરા વચ્ચે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ધુમાડાના ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ગાંધી પેટ્રોલપંપની પાછળના ભાગે કચરાના ઢગલામાં રબરના ટાયરો અને અન્ય કચરો સળગી ઉઠતા પેટ્રોલપંપના સંચાલકો અને કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે કર્મચારીઓએ આગને પેટ્રોલપંપ તરફ આવતા અટકાવવા માટે મોટર ચાલુ કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને ફાયર સેફ્ટીના બાટલા લઈ કચરાના ઢગલામાં ઉતરી આગ ઉપર કાબુ મેળવવા મથામણ કરી હતી. પવનને કારણે આગ જોતજોતામાં કચરાના મોટા ઢગલામાં પ્રસરી જવા પામી હતી. પેટ્રોલપંપના કર્મચારીઓએ ફાયર સેફ્ટીના બેથી વધુ બાટલા ખાલી કરી નાખતા આગ વધુ પ્રસરતા અટકી હતી.

આગ લાગવાની જાણ હાલોલ નગર પાલિકાના ફાયર ફાઇટરને કરવામાં આવતા ફાયર ફાઈટરનો બમ્બો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નિયંત્રણમાં આવેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ ઓલવી દેતા પેટ્રોલપંપના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પેટ્રોલ પૂરાવવા આવેલા ગ્રાહકો પણ એક તબક્કે અત્રે લાગેલી આગ જોવામાં લાગી ગયા હતા. હાલોલના રહેણાંક વિસ્તારોના ખુલ્લા પ્લોટમાં આ રબરનો કચરો કોણે નાખ્યો તે જાણવું જરૂરી છે. સોસાયટીઓના પ્લોટની સાફસફાઈ થતી રહે તે પણ જરૂરી છે. તેવું આજની ઘટના ઉપરથી લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...