પંચમહાલ જિલ્લામાં કાલોલ નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટોનું બાકી લેણું વસૂલવા માટે એમજીવીસીએલ કચેરી દ્વારા પાલિકાને નોટીસો આપી કેટલાક વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કાલોલ નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ આકરા મૂડમાં આવી ગયું હતું. એમજીવીસીએલને પાવર સપ્લાય કરતા જેટકોની કચેરીને બાકી વેરા વસૂલાત અને બાંધકામ મુદ્દે નોટિસ ફટકારતાં પાલિકા અને એમજીવીસીએલ વચ્ચે વિવાદ થયો હતો. બંને સરકારી કચેરી વચ્ચેની હુતાતુસીમાં પાલિકા અને જેટકો કંપનીના અધિકારીઓ વચ્ચે ઊભા થયેલા ગજગ્રાહે ભારે ચર્ચાઓ જગાવી છે.
સ્ટ્રીટ લાઈટના 50 લાખ, વોટર વર્ક્સના અઢી કરોડ બાકી
કાલોલ નગરપાલિકાના સ્ટ્રીટલાઈટ અને વોટરવર્ક માટેના વીજ જોડાણોનું બાકી બિલ ભરવામાં આવ્યું નથી. માર્ચના અંતમાં હિસાબો બંધ કરવા માટે કાલોલ એમજીવીસીએલ દ્વારા નગરપાલિકા પાસે વસૂલાત માટે નોટિસો આપી કેટલાક વીજ જોડાણો કાપવાની ફરજ પડી હતી. સ્ટ્રીટ લાઈટના 50 લાખ અને વોટર વર્ક્સના અઢી કરોડ રૂપિયા જેટલી રકમ વસૂલાત માટેની નોટિસોને લઈ ભારે વિવાદ ઊભો થયો છે.
ચીફ ઓફિસરએ વાંધો ઉઠાવ્યો
નગર પાલિકાને નોટીસો મળતાં પાલિકાએ સ્ટ્રીટ લાઈટોનું બાકી વીજબીલની રકમ ચૂકવી દીધી છે. છતાં પણ વોટર વર્ક્સના બાકી લેણાંની વસુલાત માટે એમજીવીસીએલ દ્વારા વધુ એક વખત સ્ટ્રીટ લાઈટોના જોડાણ કાપી નાખતા નગરપાલિકાના ચીફ ઓફિસરએ વાંધો ઉઠાવ્યો હતો. એમજીવીસીએલને વીજ પુરવઠો આપતી જેટકો કંપનીની કચેરીએ પહોંચી કચેરીના બાંધકામ અને આકારણી મુદ્દે નોટિસ આપી પોતાનો પક્ષ રાખ્યો હતો.
અન્ય મુદ્દે ચર્ચાઓ થતાં ભારે ચર્ચાઓ ઊઠી
હાલ કાલોલ પાલિકાના વોટર વર્ક્સના 20 જોડાણોના કુલ અઢી કરોડ રૂપિયાથી વધુનું વિજ બીલ વસૂલાવાનું બાકી હોવાનું એમજીવીસીએલના અધિકારીઓ જણાવી રહ્યા છે. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે બાકી વિજ બીલ ભરપાઈ કરવાની જગ્યાએ વીજ કંપનીની અન્ય કચેરીએ પહોંચી જઈ પાલિકાની બાકી વસૂલાત અને અન્ય મુદ્દે ચર્ચાઓ ઊભી કરતા સમગ્ર મામલે ભારે ચર્ચાઓ ઊઠી છે. આ સમગ્ર મામલે એમજીવીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે જેટકો પાસેથી વીજળી મેળવીને લોકોને આપીએ છીએ. બાકી આ બંને કચેરીઓ અલગ અલગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.