શ્રાવણના હિંડોળા:ભક્તો શિવભકતી સાથે કૃષ્ણભક્તિમાં પણ લિન બન્યા; વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં કલાત્મક હિંડોળા શણગારવામાં આવ્યાં

હાલોલ5 દિવસ પહેલા

પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા જ ઠેર-ઠેર મંદિરોમાં પૂજા અર્ચના થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. શ્રાવણના પહેલા દિવસથી જ માં દશામાંનું દસ દિવસ ચાલનારું વ્રત શરૂ થઈ જતું હોય છે, માસ દરમિયાન શનિવાર અને સોમવારે હનુમાનજી મંદિરોમાં અને શિવાલયોમાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. તો પુષ્ટિ માર્ગીય મંદિરો અને હવેલીઓમાં કલાત્મક હિંડોળા દર્શનનો પણ અનેક ભક્તો લ્હાવો લઈ રહ્યા છે.

સમગ્ર મહિનો કરવામાં આવશે ભગવાનને શણગાર
હાલોલ ખાતે આવેલી બે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી મંદિરમાં અને જાંબુઘોડામાં આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરે યોજવામાં આવતા હિંડોળા દર્શનનો ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે. શ્રાવણ સુદ બીજના દિવસથી શરૂ થતાં હિંડોળા શ્રાવણ વદ બીજ સુધી ચાલતા હોય છે, પંદર દિવસ સુધી શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને હિંડોળે ઝુલાવવામાં આવે છે. હિંડોળાને ભક્તો દ્વારા કલાત્મક શૃંગાર કરી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લિન થઈ જાય છે. હિંડોળા પૂર્ણ થયા પછી શ્રાવણ વદ આઠમે ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે, આખી રાત મંદિરોમાં શ્રી કૃષ્ણના ભજનોની રમઝટ ચાલતી હોય છે અને મધ્ય રાત્રીએ ભગવાનના વધામણાં કરવામાં આવે છે. અને પછીના નોમના દિવસે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ભક્તો નંદોત્સવ મનાવે છે. દસમ સુધી કનૈયાને પારણે ઝુલાવવામાં આવે છે.

દર્શને લાગે છે ભાવિક ભક્તોની ભીડ
હાલ વિવિધ મંદિરોમાં હિંડોળા દર્શન ચાલી રહ્યા છે, અનેક પુષ્ટિમાર્ગીય અને અન્ય ભક્તો હિંડોળા દર્શન નો લાભ લઇ રહ્યા છે, સવાર ની નિત્ય આરતી પૂજા કરવામાં આવે છે અને સાંજે શણગારવામાં આવેલા હિંડોળા માં ભગવાન ને જુલાવવામાં આવે છે, સાંજ ની આરતી દરમ્યાન મોટી સંખ્યા માં ભક્તો હિંડોળા માં જુલતા નટખટના દર્શન કરવા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...