યાત્રાધામ પાવાગઢ ખાતે કરેલા અનેક વિકાસના કામોનાં લોકાર્પણ અને નિરીક્ષણ કરવા આગામી તા.18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ પાવાગઢ ખાતે આવવાના હોવાના સંભવિત કાર્યક્રમને લઇને મંદિર પ્રશાસન દ્વારા વિકાસના કામોને આખરી ઓપ આપી રહ્યો છે. જેમાં નિજ મંદિર પર બનાવેલા સોનાના શિખરો, શિખર પર ધ્વજદંડ સોનાનો બનાવ્યો છે તો બીજી તરફ નીજ મંદિરનાં ગર્ભગૃહને પણ સોનાથી મઢવામાં આવી રહ્યું છે સોનાથી મઢવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે.
સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2017માં મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વિકાસના કામો માટે રૂા. 121 કરોડની માતબર રકમની ફાળવણી કરી હતી. 2017થી જ પાવાગઢ ખાતે વિકાસના અનેક કાર્યનો આરંભ કરાયો હતો. જે તમામ વિકાસના કાર્યો હાલ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યા છે. તો મોટાભાગના વિકાસના કાર્યો પૂર્ણ કરી દેવાયા છે.
નિજ મંદિરમાં એક સાથે બે હજાર ભક્તો માં મહાકાળીના દર્શન કરી શકે તેવું વિશાળ પરિસર બનાવ્યું છે. તો બીજી તરફ નિજ મંદિર સુધી પહોંચવા માટેના પગથિયાની પહોળાઇમાં વધારો કર્યો છે. નિજ મંદિરને પણ વિવિધ પ્રકારના નકશી કારીગરો દ્વારા નકશી કામ કરીને અદભુત રીતે શણગારવામાં આવ્યું છે.
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે રૂા.121 કરોડના ખર્ચે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોના નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરવા માટે તા. 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ હોઇ મંદિર પ્રશાસન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનની મુલાકાતને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા નરેન્દ્ર મોદી પાવાગઢ આવે ત્યારે તેઓને માંચીથી નિજ મંદિર સુધી લાવવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તો પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઈને પણ આગોતરું આયોજન ગોઠવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.