હાલોલમાં ગઈ કાલે સાંજે બદલાયેલા વાતાવરણને પગલે ભારે હવા અને વાવાઝોડું આવતા પાવાગઢ રોડ પર આવેલા ટીમ્બી પાટીયા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ વીજ લાઇન પર પડતા બે થાંભલા પડવાને કારણે અત્રે એક બાળકીનું મોત નીપજ્યું હતું. મહેમાન તરીકે આવેલા પિતા અને પુત્રીને પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ 13 વર્ષની પુત્રીનું મોત નીપજ્યું હતુ. જ્યારે ઘાયલ પિતાને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હતા.
હાલોલના પાવાગઢ રોડ પર આવેલા ઢાબા ડુંગરી નજીક ટીમ્બી પાટિયા પાસે મજૂરી કરી જીવન નિર્વાહ કરતા અને પત્ની સાથે રહેતા લાલભાઈ નાયકને ત્યાં હોળી કરવા માટે તેમનો સાળો અને તેમની પુત્રી આવ્યા હતા. ગત સાંજે આવેલા વાવાઝોડામાં લાલભાઈના ઘર નજીક આવેલું એક વૃક્ષ બાજુના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના વાયર પર પડતા બે વીજ થાંભલા તૂટી પડ્યા હતા.
લાલભાઈના ઝુંપડા પાસે આવેલો થાંભલો તૂટીને ઝુંપડા બહાર પડ્યો હતો તે સમયે આવેલા મહેમાન બહાર બેઠા હતા. સાળા રમણભાઈ નાયક અને તેમની પુત્રી સોનલબેન નાયક બંને ઉપર વીજ થાંભલો પડતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હાલોલ અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
વાઘોડિયા તાલુકાના જરોદ ગામ બહાર આવેલી નવી નગરી ખાતે રહેતા પિતાપુત્રી હાલોલ તેમના બનેવીને ત્યાં મહેમાન બનીને આવ્યા હતા. વાવાઝોડામાં વૃક્ષ અને થાંભલો પડતા બંને ઘવાયા હતા. સોનલના મૃતદેહને વડોદરા ખાતે પીએમ કરાવી જરોદ તેઓના ઘરે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.