હાલોલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ડીલિવરી આપવા આવેલી દાહોદ જિલ્લાના મોટી ખરજની મહિલાઓ પૈકી એક મહિલા પોલીસના હાથે ઝડપાઈ જવા પામી છે. પોલીસે ઝડપાયેલી મહિલાની તપાસ કરતા 258 નંગ પ્લાસ્ટિકના ક્વાર્ટર અને 84 નંગ બિયર મળી આવ્યા હતા. જ્યારે એક મહિલા ભાગી છુટવામાં સફળ રહી હતી. ધોળે દહાડે શહેરના ભરચક વિસ્તારમાં પોલીસે મહિલાને ઝડપી લેતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.
એસટી બસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેરી થતી હોવાની બાતમી આધારે આજે હાલોલ ટાઉન પોલીસે તપાસ કરતા હાલોલ એસટી ડેપોમાં ભારે થેલા સાથે ઉતરી હતી. વડોદરા તરફના માર્ગે વિદેશી દારૂની ડિલિવરી આપવા જતી મહિલાઓને રોકી તાપસ કરતા એક મહિલા થેલો નાખી ફરાર થઇ ગઇ હતી. જ્યારે અન્ય એક મહિલા થેલા સાથે ઝડપાઇ જતા એક તબક્કે હાલોલ શહેરના ભરચક વિસ્તારમાં ફિલ્મી દૃશ્યો સર્જાય હતા. જોકે થેલો ફેંકી નાસી ગયેલી મહિલાનો થેલો ઉઠાવી એક વાહન ચાલક પણ ફરાર થઇ જતા પોલીસના હાથે એક મહિલા અને દારૂ ભરેલો એક થેલો હાથ લાગ્યો હતો.
પોલીસે મહિલા સાથેના થેલામાં તપાસ કરતા તેમાંથી 258 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક ક્વાર્ટર અને 84 નંગ બિયર તથા એક મોબાઈલ મળી 34 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. ઉત્તરાયણમાં વેચાણ માટે મહિલા વિદેશી દારૂની ડિલિવરી આપવા માટે એસટી બસમાં દારૂ સાથે આવી હતી. તો હાલોલમાં કોને ત્યાં આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસે મહિલાની પૂછપરછ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામની મહિલા કવિતા બાદલ ભભોર અને બાદલ શંકર ભભોર સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી હાલોલમાં દારૂનો આ જથ્થો મંગાવનાર બુટલેગર અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.