વ્યાજખોરો પર તવાઈ:હાલોલમાં વ્યાજખોરોએ વ્યાજ સાથે પૈસા વસુલ્યા બાદ પણ 1 લાખની માંગણી કરતાં ફરિયાદ; પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા

હાલોલ25 દિવસ પહેલા

હાલોલની સનસીટી સોસાયટીમાં માળી તરીકે ફરજ બજાવતા અને ડાયાલીસીસની શારીરિક બીમારીનો ઈલાજ કરાવતા શખ્સની લાચારીનો લાભ લઇ બે ઈસમો તે શખ્સને વ્યાજના ચક્રમાં ફસાવી ધાકધમકી આપતાં હતા. ત્રાસથી કંટાળેલા શખ્સે હાલોલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા વ્યાજખોરી ડામવાના સરકારી અભિયાનની પહેલી કૃતિયાદ નોંધાઈ છે. હાલોલમાં અનેક પરિવારો વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા છે.

રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે વ્યાજખોરો સામે ચલાવેલા અભિયાનમાં અનેક શોષિત પરિવારો આવા વ્યાજના ચક્રમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલોલમાં પણ આવા વ્યાજખોરોના ત્રાસમાં અનેક લોકોના ઘરબાર વેચાઈ ગયા છે અને અનેક પરિવારો બેઘર બની ગયા છે. ત્યારે આજે હાલોલની સનસીટીમાં માળી તરીકે નોકરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મહીસાગર જિલ્લાના વતની અને પત્ની તથા ત્રણ સંતાનો સાથે ગોધરામાં રહેતા વિક્રમભાઈ ગુલાબભાઈ રાઠોડ હાલોલ સનસીટીમાં આઠ વર્ષથી માળી તરીકે કામ કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓને શારીરિક બીમારીના કારણે તેમની પાસે નાણાની અછત થતાં તેમણે 20% ઉંચા વ્યાજે સારવાર માટે વ્યાજે પૈસા લીધા હતા.

સનસીટી સોસાયટીમાં રહેતા ધવલભાઇ હરિભાઈ પટેલને પોતાની જરૂરિયાત જણાવતા અને રૂપિયા 10 હજારની જરૂર હોવાનું કહેતા ધવલ પટેલે આ રકમ આપવાની તૈયારી બતાવી હતી. સામે કોરો ચેક અને મહિને હજાર હજારના બે હફતામાં રકમ આપવાનું જણાવ્યું હતુ. આ શરતો ઉપર ધવલ પટેલે 10,000 રૂપિયા 20%ના વ્યાજે ધવલભાઇને આપ્યા હતા. વિક્રમભાઈ રાઠોડે બે મહિના સુધી ધવલભાઈને ₹10,000નું વ્યાજ ચૂકવ્યું હતું. દર 15 દિવસે ધવલભાઇ તેમની પાસેથી રૂ.1,000નો હપ્તો લઈ જતા હતા. બે મહિનામાં 10,000 રૂપિયાનું 4000 રૂપિયા વ્યાજ ચૂકવ્યા બાદ વિક્રમભાઈ પાસે નાણાની સગવડ થતાં તેમણે ધવલભાઈને વ્યાજે લીધેલા દસ હજાર રૂપિયા પરત કરી દીધા હતા અને તેમની પાસે રાખેલો પોતાનો કોરો ચેક પરત માંગતા ધવલભાઇએ તે ચેક જીઆઇડીસીના કોઈ કરણકુમાર આહીરવાર નામના વ્યક્તિ પાસે પડ્યો હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ કરણભાઈ આહીરવાર નામનો ઈસમ તેની સાથે બે વ્યક્તિઓ રમણ રવજીભાઈ રાઠવા તથા અમિત ઈશ્વરભાઈ નાયક સાથે વિક્રમ રાઠોડના ઘરે આવ્યા હતા. ત્યાં કરણભાઈએ વિક્રમભાઈના ચેક ઉપર એક લાખ રૂપિયાનું ધિરાણ આપ્યું હોવાની વાત કરી હતી. જેમાં 60,000 હજાર રૂપિયા કરણભાઈના અને 40,000 રૂપિયા અમિતભાઈના હોવાનું જણાવ્યું હતું. ત્યારે વિક્રમે તેને લીધેલા પૈસા ધવલભાઈને ચૂકવી દીધા હોવાનું જણાવતા પોતાનો ચેક પરત માંગ્યો હતો.

વિક્રમ રાઠોડે ડાયાલીસીસની સારવાર માટે ઉછીના લીધેલા 10,000 રૂપિયાના બદલામાં 14 હજાર રૂપિયાનું ચુકવણું કર્યા પછી પણ વ્યાજખોરો દ્વારા વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપવામાં આવતી હતી અને જો તે પૈસા નહીં ચૂકવે તો ચેક બેંકમાં વટાવી ક્લિયર ના થતા તેની સામે કેસ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેના કારણે વિક્રમભાઈ રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકમાં ધવલભાઇ પટેલ અને કરણભાઈ આહિરવાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી બંને વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...