રાસ ગરબામાં સતત ત્રીજા વર્ષે અવ્વલ:કલા મહાકુંભ 2022ના જિલ્લા કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધામાં કાલોલની બોરું શાળાના બાળકો ઝળક્યા

હાલોલએક મહિનો પહેલા

ગુજરાત રાજય યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ સંચાલિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા આયોજિત કલા મહાકુંભ 2022 જિલ્લા કક્ષાની સ્પર્ધા ગોધરાની કલરવ સ્કુલ ખાતે રાખવામાં આવી હતી. જેમાં કાલોલની બોરું પ્રાથમિક શાળાના બાળકો રાસ ગરબામાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યા, તો લગ્નગીત વિભાગમાં બાળકો ત્રીજા નંબરે આવતા શાળા પરિવારે તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના કલા મહાકુંભ 2022ના જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાલોલની બોરું પ્રાથમિક શાળાના 19 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આચાર્ય ગૌરાંગ જોશીની પ્રેરણા અને કાજલબેન બારોટના માર્ગદર્શન હેઠળ જુદા જુદા બે વિભાગોમાં બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં રાસ-ગરબા વિભાગમાં સ્પર્ધકોએ 'અમે મૈયારા કંસ રાજાના' કૃતિ રજુ કરી પ્રથમ ક્રમની સિધ્ધિ હાંસલ કરી સતત ત્રીજી વખત વિજેતા બની હેટ્રિક મેળવતા સ્પર્ધકો અને વાલીગણમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જાયું હતું. તેમજ શાળાની બીજી ટીમના સ્પર્ધકોએ લગ્ન ગીત વિભાગમાં તૃતીય નંબર મેળવતા સમગ્ર શાળા પરિવાર તરફથી વિજેતાઓને અભિનંદન આપવામાં આવ્યા હતાં.

શાળાના બાળકોએ વિજેતા બંને ટિમોના બાળકોનું સન્માન કર્યું હતું. વિજેતા સ્પર્ધકો આગામી ઝોન કક્ષાની સ્પર્ધામાં સતત ત્રીજી વખત ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે તેઓના વાલીગણ અને એસએમસી સભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...