મહાકાળીના જયકારાથી પાવાગઢ ગાજ્યું:બપોર સુધીમાં 2 લાખ શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા; પોલીસ ખડેપગે રહી, આજે રોપ વે મોડી રાત્રી સુધી ચાલશે

હાલોલએક મહિનો પહેલા

'બોલ મહાકાળી પાવાગઢ વાળી' સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં બપોર સુધી બે લાખ જેટલા માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા હતાં. ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પાવાગઢ પોલીસ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી. જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેવા પોઇન્ટ્સ ઉપર વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવતા માઈ ભક્તોએ સરળતાથી દર્શન કર્યા હતાં.

બપોર સુધીમાં 2 લાખ જેટલા માઇભક્તોએ આશીર્વાદ મેળવ્યાં
હિન્દૂ તહેવાર દિવાળીની રજાઓને લીધે શક્તિપીઠ પાવાગઢમાં આજે ભાઈબીજના દિવસે બપોરે 12 વાગ્યા સુધી 2 લાખ જેટલા માઇભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યાં હતાં. રજાઓના માહોલને લઈ જે રીતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. તે જોતા પાવાગઢ પોલીસે તમામ યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે આયોજન કર્યું છે. કેટલાક વધારાના પોઈન્ટસ્ ઉપર વ્યવસ્થા વધારવામાં આવી છે. તો ગત રાતથી જ માચીનું પાર્કિંગ ફૂલ થઈ જતા તળેટીમાંથી ખાનગી વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે.

ઉડન ખટોલા વ્યવસ્થા મોડી રાત્રી સુધી ચાલુ રાખવામાં આવશે
સલામતીના ભાગ રૂપે મંદિર પરિસરમાં પણ પોલીસને ખડે પગે રાખવામાં આવી છે. આજે બપોરે 12 વાગ્યા પછી પણ રોપ-વેમાં જવા માટે લાંબી કતારો લાગેલી છે. રોપવે ઓથોરિટીના જણાવ્યાં મુજબ સાંજ સુધી રોપ વેની ટીકીટ બારી ઉપર બુકીંગ ચાલુ રહેશે અને રાત્રે 7 વાગ્યે બુકીંગ બંધ કરવામાં આવશે. પરંતુ જે ભક્તો-પ્રવાસીઓ ઉપર ગયા છે તેઓ મોડી રાત્રી સુધી મંદિર પરિસરમાં ફરે છે. તેઓને નીચે લાવવા માટે ઉડન ખટોલા વ્યવસ્થા મોડી રાત્રી સુધી અત્યારે ચાલુ રાખવામાં આવી રહી છે.

માચીથી પગપાળા ચાલતા જનારા ભક્તો ગત રાત્રે જ ઉપર જતા રહ્યાં
આજે ભાઈ બીજના દિવસે ભક્તોનું કીડીયારું ઉભરાતા પોલીસે સ્થાનિક પેસેન્જર વાહનો અને રોપ વે સાથે સંકલન કરી યાત્રાળુઓની અવર જવર સલામત રીતે ઝડપી બને તે માટે પ્રયાસો કરતા આ આયોજનના ભાગ રૂપે પ્રવાસીઓ અને યાત્રાળુઓની યાત્રા ઝડપી બની હતી. છતાં બપોરે બાર વાગ્યે તારાપુર દરવાજા પાસે જામ થઈ જતા નીચેથી વધુ પોલીસ ઉપર મોકલવામાં આવી હતી. છુટ્ટીઓના માહોલમાં રાત્રે પણ અહીં ભક્તોની અવર જવર ચાલુ રહે છે. માચીથી પગપાળા ચાલતા જનારા ભક્તો ગત રાત્રે જ ઉપર જતા રહ્યાં હતાં. રાત્રી દરમિયાન માતાજીનો જયકાર કરતા ભક્તોના જયકારાથી આખો ડુંગર ગાજી ઉઠ્યો હતો. દિવાળીના શુભ દિવસોમાં શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામ માઇભક્તો અને પ્રવાસીઓ માટે ઉત્તમ ધાર્મિક પ્રવાસન સ્થળ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...