વિધાનસભા ચૂંટણી-2022:કાલોલ-127 બેઠક માટે ભાજપે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું; જ્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું

હાલોલ3 મહિનો પહેલા

પંચમહાલ જિલ્લાની કાલોલ-127 વિધાનસભા બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે તથા કોંગ્રેસ તરફથી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કાલોલ પહોંચ્યા હતા. જ્યાં વાજતે ગાજતે તેઓએ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને આપ્યું હતુ. તો બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, છતાં ભાજપને રામરામ કરી તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

ફતેસિંહ ચૌહાણ આગેવાનો સાથે કાલોલ પહોંચ્યા હતા
પંચમહાલ જિલ્લાની કાલોલ-127 વિધાનસભા બેઠક ઉપર ભાજપે અને આમ આદમીએ પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે હજી પોતાના ઉમેદવારનું નામ સસ્પેન્સ રાખ્યું છે. ત્યારે આજે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મૂળ ઘોઘંબાના ગૂંદી ગામના રહેવાસી ફતેસિંહ સવારે પોતાના સમર્થકો સાથે ઘોઘંબા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના કાર્યકરોને સંબોધ્યા હતા અને ઘોઘંબા ભાજપના આગેવાનો છેલુભાઈ રાઠવા, રંગેશ્વરી રાઠવા, જયપાલસિંહ રાઠોડ, ભીખાભાઇ, ગુણવંતસિંહ, કિરણ રાઠવા સહિતના આગેવાનો સાથે કાલોલ પહોંચ્યા હતા.

ફતેસિંહ ચૌહાણનું કાલોલ ભાજપે સ્વાગત કર્યું
ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનું કાલોલ ભાજપે સ્વાગત કરી કાલોલ તાલુકાના ભાજપના નેતાઓ પૂર્વ ધારાસભ્ય સુમાનબેન ચૌહાણ અને જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલને સાથે રાખી ડીજે સાથે ભવ્ય યાત્રા કાઢી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું
પંચમહાલ જિલ્લાની એક માત્ર કાલોલ બેઠકના ઉમેદવાર સુમાનબેન ચૌહાણની ટિકિટ ભાજપે કાપતા તેઓના સસરા કે જેઓએ ભાજપથી નારાજ થઈ તાજેતરમાં ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓએ પણ આજે વાજતે ગાજતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે કોંગ્રેસે હજી જિલ્લાની પાંચ પૈકી ચાર બેઠકો ઉપર પોતાનો સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યો નથી તેવામાં પ્રભાતસિંહ ચૌહાણ આજે તેઓના સમર્થકો સાથે કાલોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી ઢોલ, નગરા અને ડીજે સાથે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાલોલ મામલતદાર ઓફિસે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...