હાલોલ બેઠક પર શક્તિ પ્રદર્શન:જનસમર્થન સાથે ભાજપ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું; ડમી ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ ચાવડાનું ફોર્મ રજુ

હાલોલ3 મહિનો પહેલા

હાલોલ 128-વિધાનસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર તરીકે જયદ્રથસિંહ પરમારને રિપીટ કર્યાં છે. આ બેઠક ઉપર બહુમતી સમાજના ખુદ ભાજપના કાર્યકરોમાં ઉભા થયેલો અસંતોષ વચ્ચે આજે જયદ્રથસિંહે કાર્યકરો અને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ભાજપના કાર્યકરો અને સમર્થકોની સભા
હાલોલ ભાજપના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો એકત્ર થયા હતા. જ્યાં યોજવામાં આવેલી સભામાં કમળને મત આપી પ્રધાનમંત્રી નારેન્દ્રમોદીના હાથ મજબૂત કરવાનું આગેવાનોએ જણાવ્યું હતું. તો આ પ્રસંગે પધારેલા કંજરી રામજી મંદિરના રામશરણદાસ મહારાજે પણ ભાજપનું કમળ ખીલવવા સૌ ને સાથે મળી કામગીરી કરવા જણાવ્યું હતું.

મોટી સંખ્યામાં મતદારોને મતદાન કરવા હાકલ
હાલોલ બેઠકના ઉમેદવાર જયદ્રથસિંહે જણાવ્યું હતું કે, પીએમ નારેન્દ્ર મોદીના કાર્યકાળ દરમ્યાન ગુજરાતની જનતા માટે લાગુ કરવામાં આવેલી યોજનાઓ અને તેના લાભો છેક છેવાડાના ગામડાઓના ગરીબ લોકો સુધી પહોંચ્યા છે. એટલે જ ભાજપની સરકાર બનાવી વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીને મત મળે તે રીતે કામ કરવાનું છે. હાલોલ વિધાનસભા વિસ્તારમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ગરીબો અને આદિવાસી બાળકોને શિક્ષણ મળે એ માટે બનાવવમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે તે માટે હાકલ કરી હતી.

શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા
ભાજપના અનેક આગેવાનો સાથે જયદ્રથસિંહ પરમારે હાલોલ મામલતદાર કચેરીએ પહોંચી પોતાનું અને ડમી ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હતું. કાર્યાલયથી મામલતદાર કચેરી સુધી જનમેદની સાથે પગપાળા શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...