હાલોલના પ્રખ્યાત ગુપ્તેશ્વર મહાદેવ:ચટ્ટાનો વચ્ચે બિરાજ્યા છે ભોળેનાથ; સાંકડા પથ્થરોમાંથી કરવો પડે છે પ્રવેશ, વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત કર્યા હોવાની લોકવાયકા

હાલોલ12 દિવસ પહેલા

ઘોઘંબા તાલુકાના રીંછયા ગામે આવેલ ગોળાકાર પથ્થરોના ડુંગરો વચ્ચે સાંકળો માર્ગ ધરાવતી ગુફામાં આવેલ ગુપ્તેશ્વર મહાદેવના શિવલિંગના અભિષેક માટે શ્રાવણ માસ દરમિયાન દૂર-દૂર થી ભક્તો આવતા હોય છે. જંગલ વિસ્તારમાં ચટ્ટાનો અને ગોળાકાર વિશાળ પથ્થરોને જાણે ગોઠવીને બનાવવામાં આવ્યો હોય તેવો ડુંગર અને તેમાં આવેલ ભોંયરામાં ગુફા જેવા ભાગમાં ગોળ પથ્થરનું ઉત્તરમુખી ગૌમુખ અને વચ્ચે આવેલ શિવલિંગ અહીં સૌ કોઈ ને અચરજ પમાડે તે સ્વાભાવિક છે.

પાંડવો દ્વારા સ્થાપિત હોવાની લોકવાયકા
ઘોઘંબામાં આવેલ અને ચેલાવડા ખાતે આવેલ બાબદેવની તદ્દન નજીકમાં આવેલ ગુપ્તેશ્વર મંદિરનો ઇતિહાસ મહાભારત કાળનો પૌરાણિક હોવાની લોકવાયકાઓ છે. કહેવાય છે કે અહીં આવેલ શિવલિંગની સ્થાપના પાંચ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. છોટાઉદેપુર થી દેવાગઢ બારીયા સુધીના ડુંગરોની ગિરિમાળાનો હેડંબા વન તરીકે ઓળખાતો વિસ્તાર કે જ્યાં મહાભારત કાળ સમયે પાંચ પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ઓળખ છુપાવીને રહ્યા હતા. આ વિસ્તારના જંગલોમાં આવા અનેક ઐતિહાસિક પડીયાઓ અને ભગ્ન શિવાલયો આજે પણ જોવા મળતા હોય છે.

પથ્થરમાં સાંકળી જગ્યામાં પસાર થઈ દર્શન
રીંછયા ગામે આવેલ જંગલમાં ડુંગરોના પથ્થરોની વચ્ચે ટોચ નીચે બે પથ્થરોની વચમાં માંડ જવાય તેટલી જગ્યામાંથી અંદર પ્રવેશતા આવતી ગુફામાં શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હોવાનું અને અહીં પાંડવો દ્વારા નિયમિત શિવ પૂજા કરવામાં આવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે, અહીં ગુફામાં શિવલિંગની પાછળ આવેલી એક મીટર જેટલી ચોળાઈ ધરાવતી વિશાળ પથ્થર ની સિલા ઉપર નાના પથ્થર અથડાતા તેમાં થી અલગ અલગ સોળ પ્રકાર અવાજ નીકળે છે. નગારા જેવા આકાર માં આવેલી સિલા નો ઉપયોગ પાંડવો પૂજા દરમ્યાન ઢોલ જેવો અવાજ કરવા માટે કરતા હોવાનું પણ લોકો માની રહ્યા છે.

રમણીય વાતાવરણમાં આવેલું છે આ અલૌકિક શિવમંદિર
ચારે તરફ વનરાજી વચ્ચે આવેલ ડુંગર ઉપર ગુફા માં જ્યાં એક વ્યક્તિ માંડ અંદર દાખલ થઈ શકે એટલી નાની જગ્યા માંથી અંદર પ્રવેશ્યા પછી અહીં બિરાજમાન મહાદેવ ના દર્શન કરવા મળે છે. અહીં સ્થાનિક અને આજુબાજુના લોકો રમણીય સ્થળ ની મુલાકાતે આવે છે અને ભોલેનાથ ના દર્શન કરી ને પરત ફરે છે. જંગલ પ્રદેશ માં આવેલા અને મહાભારત કાળ સમયનો પ્રાચીન ઇતિહાસ ધરાવતું સ્થળ શિવભક્તો અને વન પ્રેમીઓ માટે આસ્થા અને પ્રવાસનું સ્થળ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...