હાલોલમાં ગુજરાતની ગૌરવ યાત્રા:ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું; વિરોધ પક્ષના કાર્યકરોની સવારથી અટકાયત

હાલોલ2 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની ગમે તે સમયે જાહેરાત થાય તેમ છે, તેવા સમયે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વિકાસની ઉપલબ્ધીઓનું ગૌરવ લેતા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. આજે ગુજરાતની ગૌરવ યાત્રા હાલોલ આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ અગ્રણી અમિત ઠાકર, પ્રદેશ મંત્રી, સંસદ સભ્ય, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ, સહિતના સ્થાનિક નેતાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં હાલોલ આવી પહોંચેલી ગુજરાત ગૌરવ યાત્રાનું હાલોલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલોલ જ્યોતિ સર્કલ અને ટોલ પ્લાઝા પાસે વિશાળ કાર્યકરો સાથે આવી પહોંચેલી યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.

હાલોલમાં પ્રવેશેલી ગૌરવ યાત્રા નગરમાં ફરીને ગોધરા રોડ રીંકી ચોકડી સુધી નીકળી હતી. જ્યાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપા દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવના નીર્ધાર સાથે સ્થાનિક નેતાઓએ કાર્યકરોમાં જોશ ભર્યો હતો.

જો કે ગુજરાત ગૌરવ યાત્રાના પગલે હાલોલ શહેર પોલીસે વિરોધ પક્ષ અને અન્ય પક્ષોના કાર્યકરો સ્થાનિક પ્રજાના પ્રશ્નોને લઈ વિરોધ કરે તેવી સંભાવનાઓને લઈ તમામ કાર્યકરોની અટક કરી હતી. આમ આદમી અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા ગણાવી હતી, તો સામાન્ય જનતાના પ્રશ્નોનું સમાધાન કરવા સરકાર નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...