વિકાસ ક્યાં છે?:કાલોલના જંત્રાલ ગામે કીચડ અને ઉભરાતી ગટરોથી રોગચાળાની દહેશત, લોકોનું રોડ ઉપરથી પસાર થવું દુસ્વર બન્યું

હાલોલ15 દિવસ પહેલા

કાલોલ તાલુકાના જંત્રાલ ગામમાં ઉભરાતી ગટર લાઈનો અને કાદવ કીચડથી ખદ બદતા રસ્તાઓને કારણે મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની દહેશત ગ્રામજનોને સતાવી રહી છે. લાખો રૂપિયા વિકાસના કામો માટે ફાળવવામાં આવતા હોવા છતાં અહીંની ગ્રામપંચાયતના હોદ્દેદારો ગ્રામ સુખાકારી માટે ખર્ચ કરવાના રૂપિયા ક્યાં ખર્ચ કરી રહ્યાં છે તે કોઈ સમજી શકતું નથી.

રોડ રસ્તાઓનો કીચડમાં ગરકાવ
રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓમાંથી ગામડાઓના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે ગ્રામપંચાયતોને ફાળવે છે, છતાં કેટલાક ગામડાઓમાં આ સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નક્કર આયોજન ન આભાવે થતા વિકાસથી ગ્રામજનોને ખાસ લાભ મળતો નથી હોતો. કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ગટર લાઈનના દુર્ગંધ મારતા પાણી ઉભરાઈને રોડ ઉપરથી વહેતા રહીશો ત્રાસી ગયા છે. ગામના રોડ રસ્તાઓ કીચડમાં ગરકાવ થઈ જતા મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાય તેવો દર રહીશોને સતાવી રહ્યો છે.

આ માર્ગે અનેક ગામડાઓના લોકોનો વાહનવ્યવહાર
કાલોલથી જંત્રાલ સુધીનો માર્ગ-મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકનો રોડ ખખડધજ બન્યો હોવા છતાં આ ડામર માર્ગ નવો બનાવવામાં નથી આવતો. ચોમાસામાં આ ડામર માર્ગ ઉપર પાણી ફરી વળતા ખાડાઓમાં નાના-મોટા અકસ્માતોના બનાવો બને છે. જિલ્લા પંચાયતના આર.એન.બી વિભાગ દ્વારા નથી ખાડા પુરવામાં આવતા. રોજીંદો વ્યવહાર મુખ્યત્વે કાલોલ સાથે હોઈ આ માર્ગે અનેક ગામડાઓના લોકો વાહનવ્યવહાર દ્વારા જોડાયેલા છે.

ગ્રામજનો દ્વારા મુખ્ય રસ્તો નવો બનાવવા ધારાસભ્યને રજુઆત કરાઇ હોવા છતાં ધારાસભ્યએ કાંઈ કર્યું નહીં હોવાનું જણાવી રહ્યા છે. ગ્રામપંચાયત દ્વારા ગામનો વિકાસ કરવા ગ્રામજનો સાથે સંયુક્ત ગ્રામસભા ભરી વિકાસના કામો કરવામાં આવે એ જરૂરી છે. બંધ બારણે ગ્રામસભાઓ ભરી કરાતા ઠરાવો અને વિકાસના કામોનો લાભ ગ્રામજનોને મળતો હોતો નથી.

અન્ય સમાચારો પણ છે...