"અમારી માગો ક્યારે પૂરી થશે?":પંચમહાલ જિલ્લાના 300 જેટલા વનકર્મીઓ આજથી રજા ઉપર ઉતર્યા; સરકારે પડતર માંગણીઓ ધ્યાને નહીં લેતાં કર્મચારી મંડળે આદેશ કર્યો

હાલોલ18 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લામાં વિવિધ વન વિભાગના વન રક્ષકો અને વનપાલો અચોક્કસ મુદ્દતની રજા ઉપર ઉતારી ગયા છે. રાજ્યના વન રક્ષક કર્મચારી મંડળના આદેશ અને સૂચના મુજબ તમામ વન રક્ષકો અને વનપાલો આજથી અચોક્કસ મુદતની રજા ઉપર ઉતર્યા છે. પંચમહાલના ગોધરા નોર્મલ વિભાગ, વડોદરા વન્ય પ્રાણી વિભાગ, વિસ્તરણ વિભાગ, સંશોધન કેન્દ્ર અને નિગમના 300 જેટલા વન રક્ષકો અને વનપાલો આજથી રજા ઉપર ઉતરી જતાં પંચમહાલની વન્ય સંપત્તિઓ અસુરક્ષિત બની છે.

300 જેટલા વનરક્ષકો-વનપાલો રજા ઉપર ઉતરી ગયા
ગ્રેડ પે, રજા પગાર, જૂની પેન્શન યોજના, ભરતી અને બઢતીનો રેશિયો 1:3 જળવાઈ રહે તેવી જૂની અને પડતર માંગણીઓ સરકાર દ્વારા સાંભળવામાં નહીં આવતી હોવાથી અને વારંવારની રજૂઆતો છતાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતા રાજ્યના વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રાજ્યભરના વિવિધ વન વિભાગોમાં ફરજ બજાવતા વન રક્ષકો અને વનપાલોને આજથી અચોક્કસ મુદત સુધી રજા ઉપર ઉતરી જવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજથી પંચમહાલ જિલ્લાના વિવિધ વન વિભાગોમાં ફરજ બજાવતા 300 જેટલા વનરક્ષકો અને વનપાલો અચોક્કસ મુદતની રજા ઉપર ઉતરી ગયા છે. વન રક્ષકો અને વનપાલો વન્ય સંપત્તિના રક્ષક તરીકે પોતાની ફરજ નિભાવતા હોય છે, ત્યારે જિલ્લાના એટલા બધા કર્મચારીઓ એક સાથે અચોક્કસ મુદતની રજા ઉપર ઉતરી જતા જંગલો સુના બન્યા છે તો વન્ય સંપતિઓ પણ જોખમાઈ છે.

જૂની અને પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબાથી ગોધરા તરફનો વિસ્તાર લાકડાઓની તસ્કરી માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે, ધોળે દિવસે ઉભા વૃક્ષો કાપીને તસ્કરી થાય છે. ત્યારે વન રક્ષકો અને વનપાલો વગર સૂના બનેલા જંગલો લાકડાની તસ્કરી કરનારાઓ માટે ખુલ્લી પડેલી તિજોરી સમાન બનશે. પોલીસ વિભાગની રજૂઆતો સરકારે ધ્યાને લીધી છે તેવી જ રીતે વન વિભાગના કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...