સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરના મહાકાલિ માતાજી મંદિર ટ્રસ્ટ મંડળની સાત વર્ષનો કાર્યકાળ પૂરો થતા મહાકાલિ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, સેક્રેટરી સહિતના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત આચાર્ય પ્રતિનિધિ પૂજારી અને દાતા સભ્યોની નિમણૂક આગામી સાત વર્ષ માટે સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી વડોદરા વિભાગના સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા વિધિવત રીતે કરવામાં આવી હતી.
જેમાં મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટની સાત વર્ષની અવધિ પૂરી થતાં આગામી વધુ સાત વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે અમદાવાદના કાકાના હુલામણા નામથી જાણીતા સુરેન્દ્રભાઈ મોતીભાઈ પટેલ કાકાની વરણી કરી ફરી એકવાર તેઓને પ્રમુખપદનો તાજ સોંપવામાં આવ્યો હતો.
જ્યારે સેક્રેટરી તરીકે અમદાવાદના અશોકભાઈ સુશીલચંદ્ર પંડ્યાની જ્યારે ટ્રસ્ટીમંડળમાં વડોદરા ના નિખિલભાઇ ચંદ્રકાંત ભટ્ટ સદસ્ય તરીકે પાવાગઢના સ્થાનિક એડવોકેટ વિનોદભાઈ રામાભાઇ વરિયા,હાલોલના વકીલ પારસભાઈ અરુણચંદ્ર જોષી, અને ડૉકટર વિજયભાઈ કાંશીરામ પટેલ જ્યારે મંદિરના પૂજારી આચાર્ય પ્રતિનિધિ તરીકે જીગ્નેશ વ્યોમચંદ્ર ભટ્ટજી અને સુધાંશુ પ્રવીણભાઈ ભટ્ટજી તેમજ દાતા સભ્ય તરીકે ચિંતનકુમાર બાબુલાલ પુરોહિત, પટેલ પરેશકુમાર કિસ્મતરાય અને ચાવડા ગોરધનભાઈ શંકરનભાઈની નિમણૂક કરતા પ્રમુખ,સેક્રેટરી સહિત ટ્રસ્ટીમંડળના લોકોને સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે ટ્રસ્ટી મંડળમાં નવા વરાયેલા પ્રમુખ સેક્રેટરી સહિત સદસ્યોએ નવીન નિમણૂક પામ્યા બાદ પોતાની પ્રથમ બેઠક યોજી હતી અને આગામી ૧૮મી જૂને યાત્રાધામ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મંદિર પર ધ્વજા આરોહણ કરવા પધારવાના હોઇ આ બાબતે આગોતરા આયોજનની તૈયારીઓના ભાગરૂપે તેમ જ વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.