હાલોલ-128 વિધાનસભામાં કોંગ્રેસના સત્તાવાર જાહેર થયેલા ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત થયા બાદ આજે ફોર્મ ભરવાના દિવસની આગલી રાત્રે ઉમેદવાર તરીકે ખસી જતા કોંગ્રેસે નવા નામની જાહેરાત કરી છે. ત્યારે કાર્યકર્તાઓનું માનવું છે કે, પંચમહાલની બેઠકો ઉપર જે રીતે ઉમેદવારો કોંગ્રેસે નામોની જાહેરાત કરી છે, તે જોતા કેટલીક બેઠકો સીધી જ ભાજપના નામે કરી દેવામાં આવી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે.
કોંગ્રેસે આજે વહેલી સવારે અનિષ બારીયાના નામની જાહેરાત કરી
હાલોલ વિધાનસભા બેઠક માટે છેલ્લે છેલ્લે જાહેર થયેલી યાદીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના બહુમત સંખ્યા ધરાવતા બક્ષીપંચ ક્ષત્રિય મતદારોનું નેતૃત્વ પસંદ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ નેતૃત્વને ભાજપના અસંતોષી જૂથનું સંપૂર્ણ સમર્થન પણ હતું. જેથી આ બેઠક ઉપર ચૂંટણી જંગમા કાંટાની ટક્કર જામશે તેવા વાતાવરણ વચ્ચે ગત રાત્રે કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર રાજેન્દ્ર પરમાર ચૂંટણીમાંથી ખસી જતા તમામ રાજકીય સમીકરણો ઊંધા પડી ગયા છે.
કોંગ્રેસે વહેલી સવારે નવા નામ ઉપર મહોર મારતા આજે અંતિમ દિવસે આ બેઠક ઉપર નવો ચહેરો ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે આજે વહેલી સવારે અનિષ બારીયાના નામની જાહેરાત કરી છે. ત્યારે કાર્યતર્તાઓનું માનવું છે કે હાલોલના રાજકારણમાં રાતોરાત બદલાયેલા સત્તાના સમીકરણો જોતા આ બેઠક કોંગ્રેસે સીધી રીતે ભાજપને ધરી દીધી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે હાલોલ કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોમાં નારાજગીને પગલે રાજીનામાં ધરી દેવામાં આવતા હાલોલમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે.
ભાજપના અસંતોષી જૂથે કોંગ્રેસ પાસે રાજેન્દ્ર પરમારને ટિકિટ મળે તે માટે માંગણી કરી હતી. તો કોંગ્રેસે તમામ આગેવાનોને ભાજપને રામરામ કરવાની શરત મુકતા આ તમામ આગેવાનો રાજેન્દ્ર પરમાર માટે ભાજપનો સાથ છોડી કોંગ્રેસને સમર્થન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. આ તૈયારીઓ પર ખુદ કોંગ્રેસના ઉમેદવારે જ પાણી ફેરવી દેતા ભાજપના અસંતોષી જૂથની હાલત કફોડી બની છે.
ઉમેદવાર બદલાતા કાર્યકર્તાઓમાં નારાજગી
હાલોલ બેઠક માટે કોંગ્રેસે વહેલી સવારે નામ બદલી નવા ચહેરાને મેન્ડેડ આપતા હાલોલ કોંગ્રેસના જુના કાર્યકરોમાં ભારે નારાજગી આ ઉમેદવારને લઈ ઉભી થઇ છે. જેથી હાલોલ કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ પ્રદેશ યુથ મહામંત્રીની ઉપસ્થિતિમાં 10 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસની નીતિથી નારાજગી વ્યક્ત કરતા સામુહિક રીતે કોંગ્રેસનું સભ્યપદ છોડી દેતા કેટલાક રાજકીય આગેવાનો માની રહ્યા છે કોંગ્રેસ હાથમાં આવેલી બાજી ઘુમાવી રહી છે. બીજી તરફ ભાજપ છોડી કોંગ્રેસને સમર્થન કરનાર અસંતોસી જૂથ પોતાનો ઉમેદવાર ખસી જતા ગોપીપુરાના રામચંદ્ર બારીયા અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી અટકળો ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.