સ્પીડ બ્રેકર્સ અકસ્માતનું કારણ:હાલોલમાં ડમ્પર પાછળ કન્ટેઇનર ઘુસી જતા અકસ્માત સર્જાયો; કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા

હાલોલ20 દિવસ પહેલા

વડોદરા-ગોધરા હાઇવેના હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલા કંજરી ચોકડી ઉપર ડમ્પર અને કન્ટેઇનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ કન્ટેઇનરમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવમાં આવી રહી છે. અકસ્માત નિવારવા માટે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર્સ વધુ એક વખત અકસ્માતનું કારણ બન્યા છે. આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે સ્પીડ બ્રેકરને કારણે બ્રેક મારતા પાછળ આવી રહેલું કન્ટેઇનર ટ્રકની પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં કન્ટેઇનર ચાલક ગંભીર રીતે ઘવાયો છે. કેબિનના ફુરચા ઉડી જતા ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા સંસાધનોની મદદ લેવાઈ રહી છે.

સ્પીડ બ્રેકર્સના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે
હાલોલ બાયપાસ ઉપર આવેલા સ્પીડ બ્રેકર્સ વધુ એક વખત અકસ્માતનું કારણ બન્યા છે. હાલોલથી કંજરી ગામ જવા માટે અંડર પાસ બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ ઉપરથી વાહનો પસાર થતા વારંવાર અકસ્માતો સર્જાય છે. હાઇવે ઉપર ચારરસ્તાની બંને તરફ સ્પીડ બ્રેકર્સ લગાવવામાં આવ્યા છે. જેના કારણે નાના વાહનોના અકસ્માતો અટકી ગયા છે. પરંતુ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર્સ આવી જતા કતાર બંધ જતા મોટા વાહનો વચ્ચે વારંવાર અકસ્માતો સર્જાય છે.

ચાલકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ
થોડા જ સમય પહેલા આ સ્થળે સ્પીડ બ્રેકર્સને કારણે કન્ટેઇનરની પાછળ સુરતથી પાવાગઢ દર્શને આવેલા ભક્તોની લક્ઝરી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં અકસ્માત સર્જાયો છે તે જ સ્થળેથી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પધારવાના છે. આ જ સ્થળેથી હાલોલમાં તેઓનો રોડ શો યોજવાનો હોય મોટી માત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા છે. ત્યારે આ સ્થળ ઉપર અકસ્માત સર્જાતા ભારે ભીડ એકત્ર થઈ છે. જેને કારણે પોલીસે ટ્રાફિક હટાવવા માટે પણ ભારે રહેમત ઉઠાવવી પડી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કન્ટેઇનરના ચાલકને ક્રેન, કટર જેવા સાધનોની મદદ લઇ બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...