હાલોલ વિધાનસભા બેઠક ઉપર આજે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યાં બે પાર્ટીઓના ઉમેદવાર, તો બીજી બાજુ એક ઉમેદવારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાજતે ગાજતે હાલોલ શહેરમાં પ્રદર્શન કરી ઢોલ નગારા સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. તો પ્રજા વિજય પક્ષના ઉમેદવારે પણ ઉમેદવારી કરી હતી. અપક્ષના હાલોલના ફાયરબ્રાન્ડ લેડી મુક્તિ જાધવે અપક્ષમાંથી ઉમેદવારી કરતા આમ આદમીમાં ઉમેદવારને લઈ નારાજગી છતી થઈ હોય તેવું જોવા મળ્યું હતું.
હાલોલમાં પરિવર્તનની રેલી નિકળી હોય તેવા દૃશ્યો ઉભા થયા
હાલોલ વિધાનસભા બેઠક માટે આજે બે અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. પ્રજા વિજય પાર્ટી તરફથી શિવરાજપૂર પાસેના મોટી ઉભરવન ગામના શિવાજી ભીલભાઈ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. તો આમ આદમી પાર્ટીમાંથી ઘોઘંબા વિસ્તારમાં આદિવાસી ઉમેદવાર ભરત રાઠવા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે હાલોલ તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી હાલોલ મામલતદાર કચેરી સુધી 2 હજાર જેટલા સમર્થકો સાથે મોટરસાયકલ અને વાહનોની રેલી યોજી ઉમેદવારી ફોર્મ રજૂ કરવા પહોંચતા, એક તબક્કે હાલોલમાં પરિવર્તનની રેલી નિકળી હોય તેવા દૃશ્યો ઉભા થયા હતા.
શિક્ષિત-સક્ષમ ઉમેદવારને ટિકિટ ન મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
હાલોલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર અને છોટાઉદેપુર લોકસભાના ઉપપ્રમુખ ફાયર લેડી તરીકે હાલોલની જનતાના અનેક પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર મુક્તિ જાધવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા, આમ આદમી પાર્ટીના હાલોલના કાર્યકરોમાં ઉમેદવારને લઈ નારાજગી છતી થઈ હતી. શિક્ષિત અને સક્ષમ ઉમેદવારને ટિકિટ ન મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવ્યાનું જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.