ઘોઘંબામાં ત્રાટકેલા બુકાની ધારી તસ્કરો દુકાનનું શટર તોડી ત્રણ લાખનો સમાન ચોરી ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાના ત્રીસ કલાક વીત્યા બાદ તસ્કરોની ભાળ મેળવવા અને તેઓને પકડી પાડવા રાજગઢ પોલિસ સક્રિય બની હતી. શનિવારે રાત્રે બનેલી ઘટનામાં આજે સોમવારે પોલીસે ડોગસ્કવોડ બોલાવી તસ્કરોની ભાળ મેળવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો હતો.
ઘોઘંબામાં શનિવારની રાત્રે ત્રણ બુકાની ધારી તસ્કરોએ એક ઇલેક્ટ્રિક મોટર રિવાઈન્ડિંગની દુકાનનું શટર તોડી નિશાન બનાવી હતી. દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રોકડ અને સામાન મળી ત્રણ લાખ રૂપિયા જેટલી રકમની તસ્કરી કરી રાજગઢ પોલીસ અને રહીશોની ઠંડી ઉડાડી દીધી હતી. શિવ ઇલેક્ટ્રિક અને રિવાઇન્ડિંગ નામે સબ મર્શિબલ પમ્પ, મોટર વેંચતા અને રીપેરીંગ કરતા દુકાનદારે આ તસ્કરીમાં ત્રણ લાખનું નુકશાન ભોગવવું પડ્યું હતું. તસ્કરોએ એક પછી એક સામાન અને વાઈન્ડિંગ કરવા માટે વાપરવામાં આવતા કોપરના વાયરો દુકાનમાંથી બહાર કાઢી ઉઠાવી જતા CCTV જોવા મળ્યા હતા.
દુકાનદારને જાણ થતાં રવિવારે સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આજે સોમવારે બપોરે ડોગસ્કવોડ બોલાવી તસ્કરોની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રવિવારે આખો દિવસ દુકાન ખુલ્લી રહી હતી અને વેપારીએ ધંધો કર્યો હોવાથી અનેક ગ્રાહકો ચોરીના સ્થળે આવી ગયા હોવાથી તસ્કરોની કોઈ ચીજ વસ્તુ કે પગલાંની ગંધ મેળવવાનો રાજગઢ પોલીસનો પ્રયાસ હાસ્યાસ્પદ બની રહ્યો હતો.
દુકાનદારે વહેલી સવારે જ સવાલાખ રૂપિયાની કિંમત ના કોપરના વાયર અને સવા બે લાખ રૂપિયાની સબ મર્શિબલ મોટરોની ચોરી થઈ હોવા અંગેની પોલીસને જાણ કરી હતી. આમ, ત્રણ લાખથી વધુનો સમાન ચોરી થયો હોવાનું જણાવ્યું હોવા છતાં રાજગઢ પોલીસે દ્વારા ફરિયાદ નોંધવામાં અને ડોગસ્કવોડ બોલાવવા માટે ત્વરિતતા નહીં દાખવતા ડોગસ્કવોડની ટીમ ત્રીસ કલાક પછી આવતા તસ્કરોની કોઈ ખાસ ભાળ મેળવવા પોલીસને સફળતા મળી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.