કચ્છ જિલ્લાના ગાંધીધામે મજૂરી અર્થે ગયેલા દાહોદના ઈટાવા ગામના પરિવારની મહિલા વતન પરત ફરી રહી ત્યારે વડોદરા અને હાલોલ વચ્ચે તેમને એસ.ટી. બસમાં પ્રસવ પીડા થઈ હતી. મહિલાએ ચાલુ બસમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાના પગલે ડ્રાઈવર દ્વારા એસ.ટી. બસને સીધી હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં મહિલા અને બાળકીને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ માતા સ્વસ્થ છે અને બાળકી ઓછા વજનને કારણે ફિડિંગ નથી કરી રહી એટલે તેને વધુ સારવારની જરૂર છે તેમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી જાણવા મળ્યું છે.
દાહોદ જતાં બસમાં જ ડિલિવરી થઈ
દાહોદ જિલ્લાના ઈટાવા ગામેથી પ્લાસ્ટર ચણતરના કામ માટે કચ્છના ગાંધીધામ ગયેલા અંકુલ સંગડા અને તેમની પત્ની દુર્ગાબેન સંગડા હોળી હોવાથી ઘરે પરત ફરવાના હતા. પરંતુ તેઓ હિસાબના કામ અર્થે ત્યાં જ રોકાયા હતા અને તેમના પરિવારના અન્ય લોકો ઘરે પરત જતા રહ્યા હતા. અંકુલ સંગાડાના પિતરાઈ ભાઈઓ હોળીના આગલા દિવસે ગાંધીધામ પહોંચ્યા હતા. તેઓ દુર્ગાબેનની સાથે દાહોદ પરત ફરી રહ્યા હતા.
માતા સ્વસ્થ, નવજાતને વધુ સારવારની જરૂર
એસ.ટી. બસ વડોદરાથી નીકળી જરોદની પાસે પહોંચતા દુર્ગાબેનને પ્રસવ પીડા થઈ હતી. ડ્રાઈવરે એસ.ટી. બસને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઝડપથી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છતાં મહિલાની પ્રસુતિ થઈ ગઈ હતી. બસ હાલોલ રેફરલ હોસ્પિટલમાં આવતા જ સ્ટાફે તાત્કાલિક મહિલાને બસમાં જ સારવાર આપી હતી. માતા સાથે નવજાત બાળકીને હોસ્પિટલમાં લાવી વધુ સારવાર આપતા માતા સંપૂર્ણ સ્વસ્થ હતી. પરંતુ જન્મેલી બાળકીનું વજન ઓછું હોવાથી શ્વાસ અને ફિડિંગમાં તકલીફ જેવું લાગતા ડોક્ટરે તપાસ કરી હતી અને વધુ સારવારની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
બાળકીને વધુ સારવાર માટે દાહોદ લઈ જવાઈ
બાળકીને વડોદરા હોસ્પિટલ ખસેડવાનું જણાવતા મહિલા સાથે આવેલા તેના બંને પિતરાઈ ભાઈઓએ મહિલાના પતિ અંકુલ સંગાડા અને ઘરના સભ્યો સાથે વાત કરી હતી. તેમણે મહિલા અને બાળકીને દાહોદ સારવાર માટે લઈ જવાની તૈયારી દર્શાવતા બાળકીને વધુ સારવાર માટે દાહોદ લઈ જવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.