શ્રધ્ધાળુંઓની સુરક્ષાને લઈને તંત્ર સક્રિય:હાલોલમાં ગણપતિ વિસર્જનને લઈ વહીવટી અધિકારીઓની બેઠક યોજાઈ; DYSPના સૂચને હાલોલ નગરમાં પોલીસ ફૂટમાર્ચ

હાલોલ24 દિવસ પહેલા

ગણેશ વિસર્જનની આડે એક દિવસ બાકી છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાને લઈ હાલોલ પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં હાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના વહીવટી તંત્ર, અને પોલીસ સ્ટાફની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ શહેરના ગણેશ મંડળોના આયોજકો, પાલિકા પ્રમુખ, મામલતદારો, પોસઈ તમામ સહિત, એસટી બસ વિભાગ, મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય અને તે માટે કેવા પ્રકારની તકેદારીના પગલાં લેવા તે ચર્ચાઓ થઈ હતી.

હાલોલ પ્રાંત કચેરીમાં આજે સાંજે પ્રાંત અધિકારી અને હાલોલ ડીવાયએસપીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ત્રણ તાલુકાઓના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ગણપતિ વિસર્જનને આડે એક દિવસનો સમય છે. ત્યારે હાલોલ પ્રાંત અધિકારીએ વિસર્જન યાત્રાઓને લઈ કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરી હતી. અને જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં હાલોલ નગરના વિસર્જન માટે એસટી બસને ટ્રાફિક ન નડે અને મુસાફરો હેરાન ન થાય એ માટે બસોને ડાયવર્ટ કરવા ચર્ચા કરાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા વિસર્જનના સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરવા તથા મોડી રાત્રી સુધી વિસર્જન ચાલે તો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો સતત ચાલુ રહે એવી વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.

હાલોલના નાના ગણેશજીને અહીં સિંઘવાઈ તળાવ ખાતે ડાયવર્ટ કરી ત્યાં પણ વિસર્જનની સુવિધા ઉભી કરવા નગર પાલિકાના પ્રમુખે સૂચના આપી હતી. પાલિકા દ્વારા ત્યાં પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેથી વડા તળાવ ખાતે એકસાથે ભીડ એકત્ર ન થાય. કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે તમામ તાલુકાઓના મામલતદારો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પણ ડીવાયએસપી રાઠોડે જરૂરી સૂચનો કર્યા હતા. ઘોઘંબા, જાંબુઘોડા અને હાલોલ તાલુકાઓમાં થનારા વિસર્જનમાં પોલીસ વ્યવસ્થા અંગે આયોજન કરવા પણ પોલીસ ઇન્સ્પેક્ટરોને જણાવવામાં આવ્યું.

હાલોલ નગરના ગણેશજી સાથે નીકળેલા ડીજેને કાળીકુઈ ચોકડી સુધી લઈ જવા દેવામાં આવશે ત્યાંથી મંડળો અને ભક્તોએ ફક્ત મૂર્તિ સાથે વડા તળાવ જવા સૂચનાઓ આપવામાં આવી. ગણેશ મહોત્સવના આયોજકોએ પણ ગુલાલના ઉપયોગ અંગે ચોક્કસ નિયમની જાહેરાત કરાય તેવું સૂચવ્યું હતું, ગુલાલને કારણે રાહદારીને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે, આંખોમાં ગુલાલ પડતા રેતીમાંથી બનાવાયેલ કલરનો ઉપયોગ ગુલાલમાં થતા નુકશાન થતું હોવાથી ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...