રાજકીય ગરમાવો:હાલોલમાં ભાજપના ઉમેદવારથી નારાજ જૂથે અપક્ષમાં ઉમેદવારી કરી; કોંગ્રેસ-નારાજ જૂથ વચ્ચે ગઠબંધનના સમીકરણો ઊંધા પડ્યા

હાલોલ3 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીઓના આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે હાલોલ ભાજપમાં ઉમેદવારને રિપિટ કરવામાં આવતા ઉમેદવાર તરફી નારાજગી વ્યક્ત કરનાર ભાજપ જૂથના કાર્યકરો પૈકી એક કાર્યકરે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ગોપીપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને બક્ષીપંચ મતદારોના નેતા તરીકે રામચંદ્ર બારીઆ એ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતુ.

ઉમેદવારે જૂજ કાર્યકરો સાથે ફોર્મ ભર્યું
હાલોલ 128 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ અસંતોષ વચ્ચે આજે કોંગ્રેસના ઉમેદવારે જૂજ કાર્યકરો સાથે ફોર્મ ભર્યું હતું. તો ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારનો વ્યક્તિગત વિરોધ દર્શાવી રહેલા ભાજપના જ જુના જોગીઓના અસંતોષીઓએ જયદ્રથસિંહ પરમારને ભાજપે રિપિટ કરતા પક્ષ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક જુના કાર્યકરોએ ભાજપને રામરામ કરી દીધા હતા, અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભજપ છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા હાલોલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસ-ભાજપના નારાજ જૂથમાં દુવિધામાં મુકાઈ
હાલોલ ભાજપમાં ભડકો થયા પછી ભાજપના ઉમેદવાર તરફી નારાજગી વ્યક્ત કરતા અનેક કાર્યકરોએ કોંગ્રેસને સમર્થક કરવાની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસે રાજેન્દ્ર પરમારના નામ ઉપર મહોર મારતા હાલોલ બેઠક ઉપર ચૂંટણી રસપ્રદ બની હતી. પરંતુ રાજેન્દ્ર પરમારે કોંગ્રેસના મેન્ડેડ મળ્યાની રાતે જ ઉમેદવારી નોંધાવવા નન્નો ભણી દેતા એક તબક્કે છેલ્લી ઘડીએ કોંગ્રેસ અને ભાજપના નારાજ જૂથમાં દુવિધામાં મુકાઈ જવા પામ્યું હતું.

આ બેઠક ઉપરનો ચૂંટણી જંગ નીરસ બની ગયો
​​​​​​​
છેલ્લી રાત્રે હાલોલ બેઠકના તમામ રાજકીય સમીકરણો બદલાઈ જતા ભાજપના જ નારાજ જૂથે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. રામચંદ્ર રમણલાલ બારીઆ એ આજે જંગી સમર્થકોના જયશ્રી રામના જયકારા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ અને ભાજપના નારાજ જૂથ વચ્ચે ગઠબંધનના સમીકરણો ઊંધા પડતા આ બેઠક ઉપરનો ચૂંટણી જંગ નીરસ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...