હાલોલ તાલુકાના આનંદપુરા નજીક શ્રમજીવી પરિવારની બપોરે ગુમ થયેલ પાંચ વર્ષની બાળકી સાથે નજીકમાં આવેલ વિવાદિત લાકડાના ગોડાઉનમાં કામ કરતા પરપ્રાંતીય નરાધમે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી લાશને કોતરમાં ફેંકી દીધી હતી.
બનાવની જાણ થતાં ઉશ્કેરાયેલા લોકોએ ત્રણ પરપ્રાંતીયોને માર મારી લાકડાના ગોડાઉનમાં આગ લગાવી દેતાં વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. બાળકીના મૃતદેહ સહિત ત્રણ ઇજાગ્રસ્તોને હાલોલ સરકારી દવાખાને લાવી વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા છે. ઘટનાના પગલે સ્થાનિક હાલોલ રૂરલ, જિલ્લા એલસીબી, એસઓજી, જિલ્લા એસ.પી જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉશ્કેરાયેલા લોકોએ લગાવેલી આગ એટલી વિકરાળ હતી કે હાલોલ કાલોલ એમજી મોટર્સ સહિત પાંચ ફાયર ફાયટરો આગ બુઝાવવા કામે લાગ્યા હતા. દુષ્કર્મી આરોપી ભાગી જતાં ગોડાઉનમાં રહેતા 40 જેટલા ઈસમોને પૂછપરછ માટે પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. જ્યારે પોલીસે આરોપીની શોધખોળ માટે તમામ સ્થળે નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી બીજી તરફ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
જન્મ દિવસે બાળકીનો મૃતદેહ મળ્યો
આનંદપુરા નજીકની પાંચ વર્ષની બાળકી સાથે પરપ્રાંતીય ઇસમે દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખવાની ઘટનામાં ભોગ બનેલી માસૂમ બાળકીનો આજે જન્મદિવસ હતો. કમનસીબે જન્મ દિવસ ઉજવાય તે પહેલાં જ બાળકીનો મૃતદેહ મળતાં પરિવારના માથે આભ તૂટ્યું હતું.
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લવાયો
આનંદપુરામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પોલીસ દ્વારા ઘટના સ્થળેથી મૃતદેહનો કબજે લઇ પીએમ માટે હાલોલ સરકારી દવાખાનામાં લવાયો હતો. પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મૃતદેહને ફોરેન્સિક એક્સપર્ટ પીએમ માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મોકલી અપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.