ગુજરાત વિધાનસભા ચૂંટણીઓના ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થતાં પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે. તેમાં કુલ 55 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. જે પૈકી 04 ઉમેદવારી ફોર્મ રદ્દ થયા તો, 01 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા 50 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જે પૈકી હાલોલ બેઠક ઉપર 14, કાલોલ બેઠકો ઉપર 14 સૌથી વધુ તો, આદિવાસી બેઠક મોરવા ઉપર 08 ફોર્મ રજૂ થયા હતા. જ્યારે સક્ષમ અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવેલા માન્ય ફોર્મમાં ગોધરા બેઠક ઉપર સૌથી ઓછા 05 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
અલગ અલગ રાજકીય પક્ષો અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા
વિધાનસભા 2022ની ચૂંટણીઓના ફોર્મ ભરવાની મુદત પૂરી થતાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો ભર્યા છે. પંચમહાલ જિલ્લાની 128-હાલોલ, 127-કાલોલ, 126-ગોધરા, 124-શહેરા આમ ચાર સામાન્ય અને એક આદિવાસી બેઠક 125-મોરવા હડફ મળી પાંચ બેઠકો માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેમાં 128 હાલોલ બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં 05 અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા 07 ઉમેદવારી ફોર્મ અને 07 અપક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે. જેમાં આપે 02, ભાજપે 02, કોંગ્રેસે 01, બસપાએ 01, પ્રજા વિજય પક્ષે 01 અને અપક્ષના 07 ફોર્મ ભરાયા છે.
કાલોલ બેઠક માટે 14 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા
તેવી જ રીતે 127 કાલોલ બેઠક માટે પણ 14 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં 08 અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા 11 ઉમેદવારી ફોર્મ સાથે 03 અપક્ષના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. જેમાં ભાજપે 02, કોંગ્રેસે 02, આપે 02, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટીએ 01, બસપાએ 01, લોકજન શક્તિએ 01, ગરવી ગુજરાત પાર્ટીએ 01, અને પ્રજા વિજય પાર્ટીએ 01 સહિત અપક્ષના 03 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
આપનું 01 ફોર્મ પરત ખેંચાતા કુલ 05 ઉમેદવારી ફોર્મ માન્ય
126 ગોધરા બેઠક ઉપર 10 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 05 અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા 09 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને 01 ફોર્મ અપક્ષ ઉમેદવારે રજૂ કર્યું હતું. જે પૈકી 04 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે અને 01 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયું છે. એટલે કુલ રજૂ થયેલા 10 ફોર્મમાં ભાજપે 02, કોંગ્રેસે 02, બિટીપીએ 02, આપે 02, બસપાએ 01 અને અપક્ષનું 01 ફોર્મ રજૂ થયું હતું. જેમાંથી ભાજપનું 01, કોંગ્રેસનું 01, બિટીપીનું 01 અને અપક્ષનું 01 ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. તો આપનું 01 ફોર્મ પરત ખેંચી લેવામાં આવતા કુલ 05 ઉમેદવારી ફોર્મ માન્ય ભરાયેલા છે.
શહેરા બેઠક ઉપર 09 ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા
124 શહેરા બેઠક ઉપર 09 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં 05 અલગ અલગ રાજકીય પક્ષોના 08 ઉમેદવારી ફોર્મ અને 01 અપક્ષના ઉમેદવારનું ફોર્મ રજૂ થયું છે. જેમાં ભાજપે 02, આપે 02, કોંગ્રેસે 02, બસપાએ 01 અને ભારતીય જનતા પરિષદે 01 સાથે 01 ફોર્મ અપક્ષ ઉમેદવારે ભર્યું છે.
05 અલગ અલગ રાજકીય પક્ષોના જ 08 ઉમેદવારી ફોર્મ
તેવી જ રીતે 125 મોરવા હડફ આદિવાસી બેઠક ઉપર 08 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. જેમાં 05 અલગ અલગ રાજકીય પક્ષોના જ 08 ઉમેદવારી ફોર્મ છે. અહીં અપક્ષમાંથી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. ભાજપે 02, આપે 02, કોંગ્રેસે 02, પ્રજા વિજય પાર્ટીએ 01 અને ગુજરાત નવનિર્માણએ 01 ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
અપક્ષના ઉમેદવારો મળી કુલ 55 ઉમેદવારી ફોર્મ રજૂ થયા
પંચમહાલ જિલ્લાની ચાર સામાન્ય અને એક આદિવાસી બેઠક માટે રાજકીય પક્ષો અને અપક્ષના ઉમેદવારો મળી કુલ 55 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. જેમાં 50 ફોર્મ માન્ય તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમય સુધી કેટલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવામાં આવે છે તે બાદ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.