128 હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં છે, ત્યારે હાલોલ વિધાનસભા બેઠકમાં આવતા હાલોલ શહેરની સ્થિતિ અને હાલત જોતા મતદારોનો એક મોટો વર્ગ મતદાન પ્રક્રિયાથી અળગો રહ્યો હોવાનું મતદાનની ટકાવારી જોતા લાગી રહ્યું છે. હાલોલ શહેરના કુલ મતદારો પૈકી માત્ર 62.52% મતદારોએ મતદાન કર્યું હતું. શહેરના 43 મતદાન બુથો ઉપર થયેલા મતદાન અને આ બુથ ઉપર ભાજપના ઉમેદવારને મળેલા મતોના આધારે જે વિગતો સામે આવી તે ભજપ માટે થોડી ચિંતાજનક છે. બે માસ પછી નગરપાલિકાની ચૂંટણીઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના મતદારોએ વિધાનસભાની ચૂંટણીમાં દર્શાવેલી નીરસતા જેવી જ નીરસતા દર્શાવે તે પહેલાં શહેરના વિકાસને ધ્યાને રાખી વધુ મતદાન માટે પ્રયાસો થાય તે જરૂરી છે.
37.48% મતદારો મતદાન કરવા ન ગયા
હાલોલ શહેરના 44,749 મતદારો છે જે પૈકી 27,978 મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે 16,771 મતદારોએ આ લોકશાહીના પર્વનો ઘરે બેસી તમાશો જ જોયો. એટલે કે 62.52% મતદાન થયું, વાત કરીએ તો હાલોલ શહેરમાં જે મતદારો નોંધાયેલા છે, તે પૈકી 30.37% મતદારોએ ભાજપને સમર્થન કર્યું છે. અને 32.15% મતદારોએ ભાજપના ઉમેદવાર છોડી અન્ય પક્ષો, અપક્ષ અને નોટામાં પોતાનો મત આપ્યો છે. અને 37.48% મતદારો મતદાન કરવા ન ગયા. એટલે કે તમાશો જોવા ઘરે રહ્યાં એવું કહી શકાય. એટલે કે હાલોલ શહેરના 69.63% મતદારોએ ભાજપના ઉમેદવાર તરીકે જયદ્રથસિંહ પરમાર પ્રત્યે અણગમો વ્યકત કર્યો એવું કહી શકાય.
27,978 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
શહેરના જે મતદારોએ મતદાન કર્યું તે મતદાન અંગે સરવૈયું કરવામાં આવે તો 27,978 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. એટલે ( 62.52%) મતદાન થયું. આ મતદાન કરવા ગયેલા મતદારો પૈકી 13,594 (48.58%) મતદારો એ કમળનું બટન દબાવી ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું અને 14,384 (51.41%) અન્ય પક્ષો, અપક્ષો અને નાટોમાં મતદારોએ મતદાન કર્યું હતું. એટલે શહેરના જે મતદારોએ મતદાન કર્યું એમાં પણ ભાજપ તરફે ઓછું મતદાન નોંધાયું છે.
43 બુથ પૈકી 16 ઉપર ભાજપને 50% કરતા ઓછા મત
શહેરના 25 નંબરના બુથમાં ભાજપને સૌથી વધુ 72.81% મત મળ્યા અને સૌથી ઓછા 9 નંબર અને 11 નંબરના બુથમાં અનુક્રમે 9.07% અને 11.77% મત મળ્યા છે. તો શહેરના 43 બુથ પૈકી 16 બુથ ઉપર ભાજપને 50% કરતા ઓછા મત મળ્યા છે. આવનારા નજીકના સમયમાં હાલોલ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે શહેરના મતદારોમાં ભાજપ પ્રત્યેની જે નારાજગી વિધાનસભાની ચૂંટણીઓના મતદાન અને પરિણામોમાં જોવા મળી છે તે જોતા હાલોલ શહેર ભાજપના હોદ્દેદારો અને પાલિકાના સભ્યોમાં એક પ્રકારે ચિંતા ઉભી થઇ જ ગઈ હશે.
પૂર્ણ બહુમત ભાજપ મેળવી શક્યું
હાલોલ શહેરના જે 16,771 મતદારોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નથી કર્યું, તે મતદારોને ભાજપ અને વિરુદ્ધમાં સરખે ભાગે વહેંચી દઈએ તો પણ ભાજપ 50% મત શહેરમાંથી મેળવવા અસફળ રહે છે. હાલોલ શહેર જ નહીં હાલોલ તાલુકો અને આખી વિધાનસભામાં નોંધાયેલા મત જોવા જઈએ તો ભાજપને 50.70% મત ચોક્કસ મળે છે. એટલે વિધાનસભા બેઠક ઉપર પૂર્ણ બહુમત ભાજપ મેળવી શક્યું છે તેમ કહી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.