ચાલુ વરસાદમાં પાવાગઢમાં માઇભક્તોનું ઘોડાપૂર:વરસતા વરસાદ વચ્ચે 2 લાખ દર્શાનાર્થીએ દર્શન કર્યા, સલામતી ખાતર દિવસ દરમિયાન રોપ-વે અનેકવાર બંધ રખાયો

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શક્તિપીઠ પાવાગઢ મંદિરે રવિવારે વરસતા વરસાદમાં ભક્તોએ માતાજીનાં દર્શન કર્યા હતાં. - Divya Bhaskar
શક્તિપીઠ પાવાગઢ મંદિરે રવિવારે વરસતા વરસાદમાં ભક્તોએ માતાજીનાં દર્શન કર્યા હતાં.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે રવિવારે વહેલી સવારથી સતત વરસતા ધોધમાર વરસાદ વચ્ચે અને ભારે વાદળછાયા ધુમ્મસભર્યા વાતાવરણમાં બે લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. જેમાં થોડા થોડા અંતરે એકાએક તુટી પડતા ધોધમાર વરસાદને પગલે પાવાગઢ ખાતે આવેલ રોપ-વેને સલામતી ખાતર દિવસ દરમ્યાન અનેકવાર બંધ કરવાની ફરજ પડી હતી.

માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત
યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ માચી અને પાવાગઢ ડુંગર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ જોવા મળ્યું હતું.

પાર્કિંગ સ્થાનો પણ ફુલ થઈ જતાં વાહનોની લાંબી કતારો
યાત્રાધામ પાવાગઢ ખાતે બે લાખ ઉપરાંત માઇભકતો રવિવારે ઊમટી પડતાં માચી અને તળેટી ખાતે આવેલ ચાપાનેરના તમામ પાર્કિંગ સ્થાનો પણ ફુલ થઈ જવા પામતા હાલોલ-પાવાગઢ રોડ લાંબી લાંબી વાહનોની પાર્કિંગની કતારો લાગી હતી. જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ભારે ધસારો થતાં સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસતંત્રએ સતત વરસતા વરસાદમાં ખડે પગે ઊભા રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

હાલોલમાં સાડા 3 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું
હાલોલ પંથકમાં રવિવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ સવારના 06 વાગ્યાથી 07 વાગ્યા સુધી 85 મી.મી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે સિઝનનો કુલ 229 મીમી. 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાલોલ તાલુકા સહિત નગર ખાતે શનિવારે મોડી રાતથી જ વરસાદના વધામણા શરૂ થયા હતા.

જોકે રવિવારે વહેલી સવારથી વરસાદે ઉગ્ર બની રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં નિચાણવાળા વિસ્તારો સહિત અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા. જેને લઈ નગર પાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. જ્યારે હાલોલ નગરના મુખ્ય હાર્દ સમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દ્વારકાધીશ હવેલી પાસે પાણી ભરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...