ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી ગામમાં બે માસની બાળકી પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દીપડાના હુમલાથી લોકોમાં દહેશત જોવા મળ્યો છે. ઘોઘંબા પંથકમાં અવારનવાર દીપડાઓ મનુષ્યો પર હુમલો કરતા દીપડાની દહેશત યથાવત જોવા મળી છે. ત્યારે ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી ગામના ડુંગર ફળિયામાં રહેતા દિનેશભાઈ ભલાભાઈ નાયકની બે માસની માસૂમ બાળકી તેની માતા વર્ષાબેન સાથે મીઠી ઊંઘ માણી રહી હતી.
ત્યારે સવારના સાડા 5 વાગ્યાની આસપાસ અંધારાનો લાભ લઇ અચાનક જ દીપડાઅે ખાટલામાં સુતી બે માસની બાળકી દુર્ગાબેન દિનેશભાઈ નાયક પર તરાપ મારી હુમલો કરીને બાળકીને ઢસડીને ડુંગર તરફ લઈને ભાગી ગયો હતો. ત્યારે પરિવારના લોકો જાગી જતા બુમાં બુમ કરી મુકતા દીપડાએ બાળકીને મોતના મોઢામાંથી મૂકીને જંગલમાં ભાગી ગયો હતો. માસુમ બાળકીના હાથે, પેટે તથા ગાલના ભાગે દીપડાએ પોતાના તિક્ષ્ણ નખ વડે ઈજાઓ પહોંચાડી હતી.
ઘટનાની જાણ થતા આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા. 108ને જાણ કરાતા 108ના કર્મચારીઅો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. બાળકીને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે દિપડો જંગલ વિસ્તારમાંથી આવીને બાળકને ઉઠાવી જતા વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.