તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ એ જ જીવન:વડગામનો ખેડૂત પરિવાર ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી 3 વર્ષથી પીવામાં-રસોઈમાં ઉપયોગ કરે છે

વડગામએક મહિનો પહેલાલેખક: રણજીતસિંહ હડિયોલ
  • કૉપી લિંક
  • નેવેથી પડતાં વરસાદી પાણી જોઈને વિચાર આવ્યો અને પાણી એકઠું કરવાનું શરૂ કર્યું
  • મઘા નક્ષત્રમાં વરસાદી પાણી મીઠું આવતું હોવાથી તેનો જ સંગ્રહ કરે છે

વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના એક ખેડૂત પરિવારે છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસાનું પાણી એકઠું કરી અને ઘરમાં રસોઈ બનાવવા અને પરિવારના સભ્યોને પીવા માટે તેજ પાણીનો ઉપયોગ કરી લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.

ઘોડિયાલ ગામને કૃષિક્ષેત્રે વિકાસ તરફ લઈ જવામાં જેમનું નામ મોખરે છે અને જિલ્લામાં ટપક અને ફુવારા દ્વારા પિયત પદ્ધતિમાં ક્રાંતિ લાવવામાં પણ જેમની મહત્વની ભૂમિકા છે. જેના માટે તેમને આદર્શ ખેડૂતનો પુરસ્કાર અને જિલ્લામાં કૃષિના ઋષિનું બિરૂદ મળેલ છે તેવા ભીખાભાઇ ચૌધરીનું નામ જિલ્લાના ખેડૂતો અને અધિકારીઓમાં અજાણ્યું નથી. તેઓએ ત્રણ વર્ષ અગાઉ ખેતરના શેડના પતરાંના નેવેથી પડતું વરસાદી પાણી જોઇ વિચાર કર્યો કે ઘણી જગ્યાએ લોકોને પીવા માટે પાણી નથી. ત્યારે કુદરત વરસાદ રૂપી જે પાણી આપે છે અને એનો બગાડ થતો અટકાવવી એકઠું કરવાની વ્યવસ્થા કરાય તો 12 મહિના ઘરમાં પીવા-રસોઈ માટે તો પાણી એકઠું થાય.

બસ એજ વિચાર બાદ ભીખાભાઇએ પોતાના પુત્રને વાત કરી વરસાદનું પાણી એકઠું કરવા જમીનમાં એક અંડરગ્રાઉન્ડ કૂવી બનાવી તેમજ તે કૂવી ઉપર પેક કરી નાની ડંકી લગાવી છે. તો પોતાના ખેતરના સેડના પતરાં પરથી આવતા નેવા નીચે એક પતરાંની નાની નેક બનાવી તેના નીચે એક પાઇપ ગોઠવીને વચ્ચે ફિલ્ટર મારી તે પાઇપ કૂવીમાં જોડી પાણી સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. અને છેલ્લા ત્રણ વર્ષથી ઘરે અને ખેતરમાં રસોઈ બનાવવા અને પીવા માટે તેજ પાણીનો ઉપયોગ કરે છે. જે અન્ય લોકો માટે એક પ્રેરણારૂપ બાબત છે.

ભીખાભાઇ વરસાદનું પાણી એકઠું કરે છે તેમાં પાણી મીઠું મળે તે માટે મઘા નક્ષત્રમાં આવતા વરસાદનું પાણી સંગ્રહ કરવાનો આગ્રહ રાખે છે. કારણકે મઘા નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સ્વાદમાં મીઠું હોય છે.

પાણી દોઢ વર્ષ ચાલે છે
કૂવીમાંથી ઘરમાં અને ખેતરમાં પીવા તથા રસોઈ બનાવવા પાણી વાપરે તો એકવાર કૂવી ભરાયા બાદ તેમાં દોઢ વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે કૂવીમાં અંદાજીત 18000 લિટર પાણીનો સંગ્રહ થાય છે. આ પાણી આરઓ પ્લાન્ટના પાણી કરતાં ઉચ્ચ ગુણવત્તાવાળું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...