આસપાસના ગામલોકોમાં ફફડાટ:વડગામના જુનાનાગરપુરામાં દીપડાનો આતંક, 3 ઉપર હુમલો કરતા વનવિભાગે પકડવાની કાર્યવાહી હાથ ધરી

વડગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડો ન પકડાતાં વડગામના જુના નાગરપુરા, નવા નાગરપુરા, નગાણા, મેગાળ, પિલુચા, પેપોળ સહિત વિસ્તારના લોકોમાં ફફડાટ
  • વહેલી સવારે ખેતરમાં ધસી આવતા નાસભાગ, વન વિભાગ તેમજ પોલીસની ટીમે પાંજરું ગોઠવી પકડવા તજવીજ હાથ ધરી

વડગામ તાલુકાના જુના નાગરપુરા ગામમાં રવિવારે વહેલી સવારે દીપડો ખેતરમાં ધસી આવતા ખેતરમાં રહેતા ૩ લોકોને ઘાયલ કરતા નાનકડા ગામમાં હાહાકાર મચી જવા પામી હતી. જયારે આ અંગેની વાત ગામમાં પ્રસરી ગઈ હતી.વડગામના જુના નાગરપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા મુકેશજી કેશરજી ઠાકોર રવિવારના સવારે આશરે સાત વાગ્યાના સુમારે ખેતરમાં હતા. તે સમયે અચાનક ધસી આવેલા દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે લઘુશંકા માટે જઇ રહેલા બાજુના ખેતરમાં રહેતા બાબુજી ફતાજી ઠાકોરના માથાના ભાગે ઉપર હુમલો કરી લોહીલૂહાણ કરી દીધા હતા.

તેમણે બુમાબુમ કરતા તેમનો દીકરો જશવંતજી બચાવવા દોડી જતાં દીપડાએ તેમના પગના ભાગે બચકું ભરી ઘાયલ કર્યા હતા. જે ત્રણેયને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દીપડો ત્યાંથી બાજુમાં જ ખેતરની વાડ પાસેની ઝાડીમાં જતો રહ્યો હતો. નાગરપુરાના બાબુજી ઠાકોર તથા જશવંતજી ઠાકોર બંને પિતા પુત્ર છે. બાબુજી ઠાકોરના નાના પુત્રના તા.11 ડિસેમ્બરના લગ્ન છે. પિતા-પુત્રને ઘાયલ કરતા ઘરના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બીજી બાજુ સવારે નવ વાગ્યાથી મોડી સાંજ સુધી વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા મહામહેનત આદરી હતી પણ વનવિભાગને સફળતા મળી ન હતી.દીપડો પાંજરે ન પુરતા જુના નાગરપુરા, નવા નાગરપુરા, નગાણા, મેગાળ, પિલુચા, પેપોળ સહીતના ગામડાઓમાં લોકો ખેતરોમાં વસવાટ કરતા હોવાથી લોકોમાં ફફડાટ ભય ફેલાયો છે.

દીપડાને પકડવા વનવિભાગની કવાયત
બનાસકાંઠા પાલનપુર સામાજિક વનીકરણ વિભાગની ટીમ, છાપી પી.એસ.આઇની ટીમ સાથે દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાંજ સુધી દીપડો વડગામ વનવિભાગની હદમાં નિકળી જશે તેવી આશા સાથે નજર રાખીને બેઠા હતા. પરંતુ પકડવા માટેની વનવિભાગને મોડે સુધી કોઈ જ સફળતા મળી ન હતી.’ : તેજશભાઇ ચૌધરી (આર. એફ. ઓ., વડગામ)

ગામલોકો આખો દિવસ ખડેપગે રહ્યા
દીપડો આવ્યો હોવાની જાણ નાગરપુરા સહીત નગાણા, મેગાળ સહિતના ગામડાઓમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેઓ આખો દિવસ હાથમાં ધોકા, લાકડી, ધારીયા, કુહાડી જેવા હથિયારો સાથે વન વિભાગની ટીમ સાથે ખડેપગે રહીને દીપડાને ભગાડવા મહામહેનત આદરી પરંતુ મોડે સુધી કોઈ જ સફળતા મળી ન હતી.બીજી બાજુ જુના નાગરપુરા પંથકમાં છેલ્લા એક મહિનાથી દીપડો ફરતો હોવાની આસપાસના લોકોમાં ચર્ચા હતી.

અન્ય સમાચારો પણ છે...