તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિ-ઓડિટ દરમિયાન કૌભાંડનો પર્દાફાશ:વડગામની સરસ્વતી શરાફી મંડળીના પૂર્વ ચેરમેન-મંત્રી દ્વારા રૂ.1.67 કરોડની ઉચાપત

વડગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 88 સભાસદોના નામે નાણાં લઇ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા

વડગામ તાલુકાની ઘી સરસ્વતી શરાફી મંડળીના તત્કાલીન મંત્રી અને ચેરમેને તેમના કાર્યકાળ વર્ષ 2012થી 2017 દરમિયાન 88 સભાસદોના નામે ધીરાણ લઇ નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી રૂ.1.67 કરોડની ઉચાપત કરી હતી. રિ- ઓડિટ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે તત્કાલીન ચેરમેન- મંત્રી સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં સહકારી માળખામાં ખળભળાટ મચ્યો છે.

વડગામ સ્થિત સરસ્વતી શરાફી સહકારી મંડળી દ્વારા તેના સભાસદો પાસેથી થાપણ, બચતો સ્વીકારી મંડળીના સભ્યોને ધિરાણ કરવાની અને વસુલાત કરવાની કામગીરી કરવામાં આવે છે. જોકે, તત્કાલીન મંત્રી રણજીતસિંહ સરદારસિંહ દેવડા (રહે. રૂપાલ તા.વડગામ) અને સહજવાબદાર તત્કાલીન ચેરમેન જવાનસિંહ બદાજી વાઘેલા (રહે. પસવાદળ તા.વડગામ)એ તેમના કાર્યકાળ 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2017 દરમિયાન કુલ 88 સભાસદોના નામે ધીરાણ, લોન અને બાંધી મુદત્તની રસીદો બનાવી કુલ રૂ.1,67,36,326ની ઉચાપત કરી હતી. આ સમગ્ર કૌભાંડ નિવૃત જિલ્લા રજિસ્ટ્રાર અને પ્રમાણિત ઓડિટર સહકારી મંડળીઓ હિંમતનગર દ્વારા કરાયેલા રિ-ઓડિટ દરમિયાન બહાર આવ્યું છે.

આ અંગે બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રાર આર. પી. ખરાડીએ ઉચાપત કરનારા તત્કાલીન ચેરમેન- મંત્રી સામે ફરિયાદ નોંધાવવાનો હુકમ કરતાં મંડળીના વર્તમાન મંત્રી પ્રતાપસિંહ માનસંગજી પરમારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને વિરુદ્ધ આઇ.પી.સી. ક. 408, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

5 સભાસદોના નામે 13.10 લાખની લોન ઉધારી
મંડળીના 5 સભ્યોએ મંડળીમાં જમા થાપણ સામે લોન લીધી ન હોવા છતાં મંત્રીએ તેમના નામે લોન ઉધારી રૂપિયા 13,10,000ની હંગામી ઉચાપત કરી હતી.

72 સભાસદોના નામે રૂ.1.38 કરોડનું ધિરાણ લીધું
તત્કાલીન મંત્રી રણજીતસિંહ સરદારસિંહ દેવડાએ વર્ષ 2012થી 2017 દરમિયાન મંડળીના 72 સભાસદોની જાણ બહાર તેઓના નામે રૂ. 1,38,19,000નું ધિરાણ ઉધાર્યુ હતુ.આ નાણાંની લેવડ દેવડ એકાઉન્ટ પે ચેકથી નહીં પણ બેરર ચેકથી કરવામાં આવી હતી.

11 સભાસદો સાથે બાંધી મુદ્દતમાં 11.12 લાખની હંગામી ઉચાપત
મંડળીના 11 સભ્યોને બનાવટી બાંધી મુદતની થાપણ રસીદ આપી રૂપિયા 11,12,326 પોતાના અંગત ઉપયોગમાં વાપરી હંગામી ઉચાપત કરી હતી. આ નાણાં તેમણે મંડળીના રોજમેળ - હિસાબોમાં ઉધાર્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...